ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના વોર્ડ-૧૧ એ ભારતનગરની ત્રણ સોસાયટીમાં ગલીમાં થયેલાં ૫૦થી વધુ દબાણો હટાવવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. અહીં ગટર,પાણી સહિતની સમસ્યાઓ હલ કરવામાં દબાણો નડતરરૂપ છે અને કામગીરી થઈ શકતી નથી. જેનાં પગલે વહીવટી તંત્ર દ્વારા સ્વેચ્છાએ અતિક્રમણ દૂર કરવા માટે નોટિસ આપી છે અને જાે સમય મર્યાદાની અંદર દબાણ નહીં હટે, તો કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. મનપાના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા વોર્ડ-૧૧ એ વિસ્તારમાં આવેલી બજરંગ સોસાયટી, ગુરુકૃપા સોસાયટી અને સંત કવરરામ સોસાયટીમાં ૫૦થી વધુને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા નોટિસ આપી છે.
લોકોએ ઘરની પાછળની ગલીઓમાં દબાણ કરી લીધાં છે, પાણીની લાઈન ઉપર, ગટરની ચેમ્બર ઉપર દબાણો છે, જેનાં કારણે સમસ્યા સર્જાય છે, ત્યારે કામગીરી થઈ શકતી નથી અહીં ગલીઓમાં મોટાં વાહનો તો જઈ શકતા નથી, પણ કર્મચારીઓ પણ ખોદકામ કરી શકે તેટલી જગ્યા નથી તે હદે દબાણો થઈ ગયાં છે અને હાલના સમયમાં પીવાનાં પાણીની સમસ્યા છે લોકોને લીકેજનાં કારણે દૂષિત પાણી મળે છે. તંત્રને કામગીરી કરવી છે, પણ દબાણોનાં કારણે કામગીરી થતી નથી, જેના પગલે મનપાનાં દબાણ હટાવ વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી છે અને સમય મર્યાદામાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.