ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લા પોલીસે આજે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. અંજારના સિનુગ્રા ગામમાં NDPS કેસના આરોપી મહંમદ હાજી મહંમદ હુસેન સૈયદનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીએ સિનુગ્રા ગ્રામ પંચાયતની સરકારી જમીન પર પોતાના રહેવા માટે મકાન બનાવ્યું હતું. આ મકાનનો ઉપયોગ ગુનાખોરી માટે પણ કરવામાં આવતો હતો.
આરોપી અગાઉ NDPS એક્ટ હેઠળ વિવિધ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ કરી છે. આ કાર્યવાહીથી જિલ્લાના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ વિભાગ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ અભિયાન હેઠળ કાયદાનો ભંગ કરનારા તત્વો સામે એક પછી એક કાર્યવાહી કરવામાં આવી રહી છે.