પહેલગામ હુમલાની અસર: ફ્લાઈટના ભાડા આસમાને

પહેલગામ હુમલાની અસર: ફ્લાઈટના ભાડા આસમાને પહેલગામ હુમલાની અસર: ફ્લાઈટના ભાડા આસમાને

ગાંધીધામ ટુડે ન્યૂઝ : 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ હુમલાની સીધી અસર હવાઈ મુસાફરી પર પડી રહી છે, કારણ કે ફ્લાઈટની ટિકિટના ભાવમાં આસમાને આંબતો વધારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદથી ઉપડતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોની વાત કરીએ તો, સિંગાપોર જતી ફ્લાઈટનો ભાવ ₹ 9000, બેંગકોકનો ₹ 14800 અને કુઆલાલુમ્પુરનો ₹ 13400 થયો છે. એટલું જ નહીં, પશ્ચિમ તરફ જતી ફ્લાઈટોના ભાડામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટની ટિકિટ હવે ₹ 64000 અને દુબઈની ટિકિટ ₹ 16300માં મળી રહી છે, જેમાં અંદાજે ₹ 2000નો વધારો નોંધાયો છે.

પહેલગામના હુમલા બાદ પાકિસ્તાને ભારતીય વિમાન કંપનીઓ માટે પોતાની એરસ્પેસ બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે એર ઇન્ડિયા અને ઇન્ડિગો સિવાયની ઘણી એરલાઇન્સને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનની એરસ્પેસ બંધ થવાથી ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ અને મધ્ય પૂર્વ તરફ જતી ફ્લાઈટો હવે અરબ સાગર પરથી લાંબો રૂટ લેવા મજબૂર બનશે. જેના પરિણામે ફ્લાઈટનો સમય બેથી અઢી કલાક સુધી લંબાશે. ભારતીય વિમાનો માટે પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાથી એરલાઇન્સનો ખર્ચ અને ફ્યુઅલનો વપરાશ પણ વધશે. આ ઉપરાંત ક્રૂના કામના કલાકો વધશે, જેની સીધી અસર મુસાફરો પર પડશે. અંદાજે 400થી 500 જેટલી પશ્ચિમ તરફ જતી ફ્લાઇટ આનાથી પ્રભાવિત થવાની સંભાવના છે.

સ્થાનિક ફ્લાઈટોની વાત કરીએ તો, શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ટિકિટના ભાવ ₹ 15000ને પાર પહોંચી ગયા છે, જ્યારે અગાઉ આ જ ટિકિટ ₹ 2000થી ₹ 3000માં ઉપલબ્ધ હતી. પહેલગામના હુમલા બાદ જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા અનેક પ્રવાસીઓ ભયના કારણે તાત્કાલિક પોતાના વતન પરત ફરવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ફ્લાઈટના ભાવ આસમાને પહોંચી જતાં તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

શ્રીનગરથી ગયા અઠવાડિયે ફ્લાઈટનું સરેરાશ ભાડું ₹ 6000 જેટલું હતું, જ્યારે પરત ફરવાનું ભાડું ₹ 12000 હતું, જે દર્શાવે છે કે જવાવાળાની સરખામણીમાં પાછા આવવા માંગતા લોકોની સંખ્યા વધુ હોવાથી ભાડા વધારે હતા. પહેલગામમાં આ દુર્ઘટના બન્યા બાદ ટૂર અને ટ્રાવેલ્સના સંચાલકોએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ શ્રીનગર જઈ રહ્યા હતા ત્યારે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં માત્ર 22 મુસાફરો હતા, જ્યારે પરત ફરતી વખતે આખી ફ્લાઈટ પેક હતી. આ દર્શાવે છે કે લોકો હવે ફરવા જવા કરતાં પોતાના જીવની સલામતીને વધુ મહત્વ આપી રહ્યા છે.

ટૂર અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ પણ જણાવ્યું હતું કે આ સિઝનમાં તેમને મોટું આર્થિક નુકસાન થયું છે. હોટલ માલિકોએ હોટલોને સુંદર રીતે સજાવી હતી અને સારી સિઝનની અપેક્ષા રાખી હતી, પરંતુ પહેલગામના હુમલાના કારણે તેમને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *