ગાંધીધામ ટુડે, ન્યૂઝ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભુજની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કચ્છમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત, દીનદયાલ પોર્ટ (કંડલા પોર્ટ) ખાતે ₹1100 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પોર્ટે 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરીને દેશના તમામ મહાબંદરોમાં ફરીથી મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ગ્રીન હાઈડ્રોજનમાં સ્વદેશી તકનીકનો ઉપયોગ: દીનદયાલ પોર્ટ બનશે હાઈડ્રોજન હબ
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશના ત્રણ મહાબંદરોને હાઈડ્રોજન હબ બનાવવામાં આવશે, જેમાં દીનદયાલ પોર્ટ પણ એક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આગામી સમયમાં ગ્રીન હાઈડ્રોજન એક નવું ઈંધણ બની રહેશે અને પોર્ટમાં સ્થપાનારા ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટમાં સ્વદેશી તકનીકનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાને ઉમેર્યું હતું કે, કંડલાના ડી.પી.એ.એ 15 કરોડ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કર્યું છે. દેશના કુલ કાર્ગોનું એક તૃતીયાંશ હેન્ડલિંગ કચ્છના મહાબંદરોમાંથી થાય છે, જેના કારણે કંડલા અને મુંદરા બંદરોના વિસ્તૃતીકરણનાં કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
નવી જેટી અને સુવિધાઓનું લોકાર્પણ
જૂના કંડલા ખાતે 3.5 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા સાથે આઠ નંબરની કાર્ગો જેટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જેટીમાં ટેલિસ્કોપિક ગેંગ-વે, સ્વદેશી રીતે વિકસિત ક્વિક-રિલીઝ મૂરિંગ સિસ્ટમ અને ઓટોમેટેડ ફાયર સિસ્ટમ સહિતની અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત, તુણા ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ સાથે જોડાણ અને કાર્ગો ખાલી કરવાની પ્રક્રિયાને વેગ આપવા માટે EXIM કાર્ગોના સંગ્રહ માટે બંદર વિસ્તારનું વિસ્તૃતીકરણ સહિતના ₹532 કરોડના પ્રકલ્પનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગ્રીન હાઈડ્રોજન એક્સેલન્સ સેન્ટરનું ઉદ્ઘાટન
આ પ્રસંગે ગ્રીન હાઈડ્રોજન એક્સેલન્સ સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ના સ્વપ્નનું મુખ્ય ધ્યેય હાઈડ્રોજનમાં સંશોધન કરવાનું છે. યુનિક ઈન્ડિયા હાઈડ્રોજન રિસર્ચ એન્ડ ઈનોવેશન સેન્ટર થકી આગામી સમયમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી બહાર આવતી ઊભરતી પેઢી માટે હાઈડ્રોજનની મહત્ત્વતા જાણવા અત્યંત ઉપયોગી બની રહેશે.
આ ઉપરાંત, કંડલા ખાતે 10 મેગાવોટની ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધા અને કંડલા ખાતે ત્રણ રોડ ઓવરબ્રિજનું લોકાર્પણ અને છ માર્ગીય રસ્તાનું વિસ્તૃતીકરણ સહિતનાં વિકાસકામોનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં DPA ચેરમેન સુશીલકુમાર સિંઘ, ચીફ એન્જિનીયર રવીન્દ્ર રેડ્ડી, સી.વી.ઓ. જે.કે. રાઠોડ, ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન પ્રદીપ મોહંતી, ચીફ ઓપરેશનલ મેનેજર શ્રી રામાસ્વામી, સી.એમ.ઓ. ડો. ચેલાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીનદયાલ પોર્ટના હજારો કામદારો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા, જેમની માટે પ્રશાસન દ્વારા પરિવહનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.