ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારતે પાકિસ્તાની વિમાનો માટે તેના હવાઈ ક્ષેત્ર પરનો પ્રતિબંધ વધુ એક મહિના માટે લંબાવ્યો છે. આ નિર્ણય ‘નોટિસ ટુ એરમેન’ (NOTAM) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે હવે 23 ઑગસ્ટ, 2025 સુધી અમલમાં રહેશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.
આ પ્રતિબંધ પહલગામ આતંકી હુમલા બાદ લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને POKમાં આતંકી ઠેકાણા પર હુમલા કર્યા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.
આ કાર્યવાહી પાકિસ્તાનના એ નિર્ણયના જવાબમાં લેવામાં આવી છે, જેમાં પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ રાખ્યું છે. પાકિસ્તાન ઍરપોર્ટ ઑથોરિટીએ ગયા અઠવાડિયે ભારતીય એરલાઇન્સ માટે 23 ઑગસ્ટ સુધી હવાઈ ક્ષેત્ર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
આ પ્રતિબંધને કારણે પાકિસ્તાનને આર્થિક અને લોજિસ્ટિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાની વિમાનોને લાંબા વૈકલ્પિક રૂટ અપનાવવા પડે છે, જેનાથી તેમનો સંચાલન ખર્ચ વધી જાય છે. ખાસ કરીને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ આનાથી પ્રભાવિત થઈ રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2019માં થયેલા તણાવ બાદથી ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ રાખ્યું છે, અને આ પ્રતિબંધ સમયાંતરે લંબાવાતો રહ્યો છે.