ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ આજે શુક્રવારે બપોરે ભુજ આવ્યા બાદ સર્કિટ હાઉસ થઇ અને ત્યાંથી સ્મૃતિવન જશે અને રાત્રિ રોકાણ ધોરડોમાં કરશે.રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી કચ્છની બે દિવસની મુલાકાતે છે. તેઓ આજે બપોરે હવાઇ માર્ગે ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ભુજ આર્મી સ્ટેશનના ડેપ્યૂટી કમાન્ડન્ટ કર્નલ અમિત, રેન્જ આઈ.જી. ચિરાગ કોરડીયા, કચ્છ બી.એસ.એફ.ના ડીઆઇજી અનંતકુમાર, જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી સીધા સર્કિટ હાઉસમાં જશે. ત્યારબાદ 3 વાગ્યે ભુજિયા ડુંગરની ગોદમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ વૈશ્વિક નકશે ચમકેલા નમકાચ્છાદિત સફેદ રણ નિહાળવા માટે ધોરડો ખાતે જશે.

ટેન્ટસિટી ખાતે કચ્છના સ્થાનિક કલાકારો સાથે સંવાદ કરશે અને હસ્તકળાના સ્ટોલની મુલાકાત કરશે.અહીં સાંજે સૂર્યાસ્ત નિહાળશે અને ત્યારબાદ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા યોજાનારો કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે અને રાત્રિ રોકાણ પણ ધોરડોમાં જ કરશે. તેઓ બીજા દિવસે તા.01-03, શનિવારના સવારે 10.30 કલાકે ધોરડોથી નીકળીને વૈશ્વિક ધરોહર ધોળાવીરા જશે. જયાંથી બપોરે 3.30 કલાકે પરત ભુજ એરપોર્ટ પર પહોંચીને હવાઇ માર્ગે દિલ્હી જવા માટે રવાના થશે. રાષ્ટ્રપતિની બે દિવસની મુલાકાતને લઇને તંત્ર દ્વારા સપ્તાહથી તૈયારીઓની શરૂઆત કરી દેવાઇ હતી અને તેને ગુરૂવારે આખરી ઓપ અપાયો હતો.

રાષ્ટ્રપતિની મુલાકાત દરમ્યાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કચ્છના પ્રભારીમંત્રી પ્રફૂલ્લ પાનસેરિયા હાજર રહેશે. દરમિયાન વીવીઆઈપી. મુલાકાતને ધ્યાનમાં રાખી આજે શુક્રવારના સ્મૃતિવન મેમોરિયલ અને સંગ્રહાલય દરેક મુલાકાતીઓ માટે બંધ રહેશે. જે બાદ શનિવાર તા. 1 માર્ચથી સ્મૃતિવન મ્યૂઝિયમ અને મેમોરિયલ રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ સ્મૃતિવન ઓથોરિટી દ્વારા જણાવાયું છે.

રાષ્ટ્રપતિભવનમાં પ્રથમ વખત જેના માટે લગ્નનુ માંડવો બંધાયો હતો તેવા સીઆરપીએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પુનમ ગુપ્તા રાષ્ટ્રપતિ સાથે જોવા મળ્યા. આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય રીઝર્વ પોલીસ ફોર્સમાં સહાયક કમાન્ડન્ટ તરીકે તૈનાત મધ્યપ્રદેશના શિવપુરીની પુત્રી પૂનમ ગુપ્તાના લગ્નની શરણાઈ રાષ્ટ્રપતિ ભવનમાં ગુંજી હતી. પુનમ ગુપ્તા રાષ્ટ્રપતિ ભવનમાં પર્સનલ સિક્યુરીટી ઓફિસર તરીકે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુની સુરક્ષા હેઠળ તૈનાત છે.