ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઓવલ ખાતે રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે રોમાંચક જીત મેળવીને પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 2-2થી બરાબર કરી છે. પાંચમા દિવસ સુધી ચાલેલી આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું હતું. ભારતે ઈંગ્લેન્ડને 374 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 356 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પ્રસિદ્ધ કૃષ્ણ અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી ભારતને આ ઐતિહાસિક જીત અપાવી.
વિદેશી ધરતી પર ઐતિહાસિક જીત
This Article Includes
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ભારતે વિદેશી ધરતી પર પાંચ ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી મેચ જીતી હોય. આ પહેલા ભારતે વિદેશમાં 16 પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી, જેમાંથી 6માં છેલ્લી ટેસ્ટમાં હાર થઈ હતી અને 10 મેચ ડ્રો રહી હતી. આ વિજય સાથે ભારતીય ટીમે વિદેશમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ જીતવામાં સફળતા મેળવી છે.
રૂટ અને બ્રુકની સદી, છતાં હાર
ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં હેરી બ્રુક અને જો રૂટએ શાનદાર સદી ફટકારી હતી. બ્રુકે માત્ર 91 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ઝડપી 111 રન બનાવ્યા હતા. જ્યારે રૂટે 110 રનનું યોગદાન આપ્યું હતું. ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટે પણ 54 રનની ઈનિંગ રમી હતી. પરંતુ, પાંચમા દિવસે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગ સામે ઈંગ્લેન્ડનો મજબૂત બેટિંગ લાઈનઅપ ટકી શક્યો નહીં. ભલે ઈજાગ્રસ્ત ક્રિસ વોક્સ બેટિંગ કરવા આવ્યો, પરંતુ તે ટીમને વિજય અપાવી શક્યો નહીં.
પ્રથમ ઇનિંગ્સમાં ભારતનું નબળું પ્રદર્શન
પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમનું પ્રદર્શન નબળું રહ્યું હતું. ભારતે ફક્ત 224 રન બનાવ્યા હતા, જેમાં કરુણ નાયરે 57 રન સાથે અડધી સદી ફટકારી હતી. જવાબમાં ઈંગ્લેન્ડે 247 રન બનાવીને 23 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડ માટે જેક ક્રોલીએ સૌથી વધુ 64 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં ભારત માટે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર-ચાર વિકેટ ઝડપી હતી. જોકે, બીજી ઈનિંગ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કરી મેચ જીતી લીધી.