સાયબર ક્રાઈમનો સપાટો ! ઓનલાઈન જુગારના પ્રમોશનથી કમાનારા હવે જેલમાં!

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ટેક્નોલોજીના આ યુગમાં ડિજિટલ માધ્યમોનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે કેટલાક લોકો તેનો દુરુપયોગ કરીને છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય છે. રાજકોટ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા 6 સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ કરીને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે.

પોલીસ દ્વારા યુવાધનને ઓનલાઈન જુગારના રવાડે ચઢાવતા વધુ છ ઈન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારાઓ સામે કડક વલણ અપનાવીને આ છ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ઈન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓનલાઈન ગેમ્બલિંગની જાહેરાતો કરીને દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતા હતા.

આ અંગે માહિતી આપતા ડીસીપીએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ પોલીસનું સોશિયલ મીડિયા સેલ સતત વિવિધ સોશિયલ મીડિયા માધ્યમો પર ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારાઓ પર નજર રાખી રહ્યું છે. તપાસ દરમિયાન આવા છ ઈન્ફ્લુએન્સર પોલીસની ટીમને જોવા મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઈન્ફ્લુએન્સર ગેમ્બલિંગની લિંક પોસ્ટ કરવાના બદલામાં 7,000 રૂપિયા સુધી મેળવતા હતા. આ માહિતી મળ્યા બાદ સાયબર ક્રાઈમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આ છ ઈન્ફ્લુએન્સર વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12-એ હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.

પોલીસની આ કાર્યવાહી ઓનલાઈન ગેમ્બલિંગના પ્રસારને રોકવામાં અને યુવાનોને તેના દુષ્પ્રભાવોથી બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ ભવિષ્યમાં પણ આવા ગેરકાયદેસર પ્રમોશન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *