ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દિન દયાલ પોર્ટ (કંડલા) માં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને નોકરી ન મળતા છેલ્લા 17 વર્ષથી ન્યાય માટે લડી રહેલા પરિવારોએ ફરી એકવાર પોર્ટના ચેરમેનને રજૂઆત કરી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરીની આગેવાની હેઠળ, મૃતક કર્મચારીઓના 440 થી વધુ વારસદારોએ નોકરીની માંગ કરી છે.

અગાઉ, આ મુદ્દે મંચ દ્વારા સાત દિવસના ધરણા અને ભૂખ હડતાળ કરવામાં આવી હતી, જેના પરિણામે 14 વારસદારોને નોકરી મળી હતી. આ ઉપરાંત, તાજેતરમાં યોજાયેલી બોર્ડ મીટિંગમાં વધુ 3 વારસદારોને નોકરી આપવાનો નિર્ણય લેવાયો છે. જોકે, આ સંખ્યા પૂરતી નથી, કારણ કે હજુ પણ 440 જેટલા પરિવારો નોકરીની રાહ જોઈ રહ્યા છે.
5%ની નીતિ સામે વિરોધ
પોર્ટની વર્તમાન નીતિ અનુસાર, કુલ ખાલી જગ્યાઓમાંથી માત્ર 5% જગ્યાઓ જ વારસદારો માટે ફાળવવામાં આવે છે. આ નીતિને કારણે નોકરી માટે રાહ જોઈ રહેલા હજારો લોકોને નોકરી મળવી મુશ્કેલ છે. મંચે ચેરમેનશ્રીને આ 5% નો સ્લેબ વધારવા અથવા વૈકલ્પિક નીતિ અપનાવવા માટે અપીલ કરી છે, જેથી તમામ વારસદારોને ન્યાય મળી શકે. આ ઉપરાંત, દૈનિક વેતન પર કામદારોને નોકરી આપવાની પણ માંગ કરવામાં આવી છે જેથી હાલમાં બેરોજગાર આ પરિવારોને રોજગારી મળી રહે.
ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી
આ રજૂઆત દરમિયાન, હિતેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે છેલ્લા 17-18 વર્ષથી આ પરિવારોને અન્યાય થઈ રહ્યો છે. જો યોગ્ય પ્રક્રિયા સમયસર શરૂ થઈ હોત, તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થઈ હોત. ઘણા વારસદારોની ઉંમર પણ વધી રહી છે, તેથી તેમને આર્થિક વળતર આપીને પણ ન્યાય આપી શકાય છે.
અંતમાં, મંચ દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આગામી 15 દિવસમાં આ મુદ્દે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ફરીથી પોર્ટની કચેરી બહાર ધરણા, ભૂખ હડતાળ અને જરૂર પડે તો કંડલા પોર્ટના મુખ્ય રસ્તા અને દરવાજા બંધ કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ રજૂઆત દરમિયાન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કચ્છ જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી અને આંતર રાષ્ટ્રીય ભીમ સેનાના પ્રમુખ મયુર બળિયા, પંકજ નોરિયા, રમેશ થારુ, દીપક પરમાર, દિનેશ પરમાર, હેમંત ફુફલ, તુલસી ગરવા, અનિલ મહેશ્વરી, ભવ્ય ભોઇયા, રાહુલ ધૂળિયા, અને નીતિન મહેશ્વરી જેવા હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
તેમની સાથે, વારસદારોનું પ્રતિનિધિત્વ કરતા જગદીશ દાફડા, સંદીપ પરમાર, પ્રદ્યુમ્નસિંહ સરવૈયા, કાંતાબેન ચુણા, અજય ફુફલ, પૂરન ચૌહાન, ભરત કન્નર, શિવજી કન્નર, જગદીશ જંજક, ચંદુલાલ, ઇન્દર વાઘેલા, દુર્ગારાવ, અપારાવ, ભરત કોલી અને ગની લાડક સહિત અનેક લોકો જોડાયા હતા.