ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓની રડાર પર આવ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) મુંબઈ દ્વારા KASEZ માં તપાસ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિ સામે આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મિડ-ડિક્લેરેશન પર કાર્યવાહી:
ગત રોજ મુંબઈ DRI દ્વારા KASEZ માં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન “મિસ-ડિક્લેરેશન” (ખોટી ઘોષણા) કરાયેલી સામગ્રીને ઓળખવામાં આવી હતી. આ સામગ્રીનો કુલ જથ્થો કરોડો રૂપિયાથી વધુનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ પ્રકારની મોડસ ઓપરેન્ડીમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ સંડોવાયેલા હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આર્થિક ગેરરીતિ પર અંકુશની આવશ્યકતા:
આર્થિક ગેરરીતિઓ પર અંકુશ લાવવા માટે CBI સહિતની સંસ્થાઓ વધુ સક્રિય બને તે અત્યંત આવશ્યક છે. અગાઉ પણ KASEZ માં NIA, CBI સહિતની કેન્દ્રીય સ્તરની સંસ્થાઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ બાબતે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવે અને સંબંધિતો કે આરોપીઓને કાયદાના કઠેડામાં ઉભા કરવામાં આવે તે સમયની માંગ છે.
સરકાર દ્વારા નિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જોકે, કેટલાક અસામાજિક તત્વો આ યોજનાઓનો દુરુપયોગ કરીને સરકારના, એટલે કે લોકોના, ખિસ્સા ખાલી કરવાના કૌભાંડો આચરી રહ્યા છે. આવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે.