ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. પહેલી મેચ વિજેતા કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ ટૂર્નામેન્ટની 18મી સીઝનની પહેલી મેચ હશે, જે 22 માર્ચે રમાશે. જ્યારે 25 મેના રોજ ફાઈનલ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે.


IPLમાં એક પરંપરા રહી છે કે ટુર્નામેન્ટની શરૂઆત અને ફાઈનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. આ વખતે પણ આ બંને મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ 25 મેના રોજ યોજાશે, ક્વોલિફાયર-2 પણ 23 મેના રોજ કોલકાતામાં રમાશે.
ગયા સીઝનની રનર-અપ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બે પ્લેઓફ મેચ પણ યોજાશે. અહીં ક્વોલિફાયર-1 20 મેના રોજ અને એલિમિનેટર 21 મેના રોજ રમાશે. 2024ની ફાઈનલમાં, KKR એ SRHને 8 વિકેટથી હરાવીને ત્રીજી વખત IPL જીત્યું હતું.
10 ટીમના હોમ ગ્રાઉન્ડ ઉપરાંત, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને ધર્મશાલામાં પણ મેચ રમાશે. ગુવાહાટી રાજસ્થાન રોયલ્સ (RR)નું બીજું હોમ ગ્રાઉન્ડ છે, ટીમ અહીં 2 મેચ રમશે. ટીમ અહીં 26 માર્ચે કોલકાતા અને 30 માર્ચે ચેન્નઈ સામે ટકરાશે. ધર્મશાલા પંજાબ કિંગ્સ (PBKS)નું બીજું હોમ ગ્રાઉન્ડ છે. ટીમ અહીં 3 મેચ રમશે.
વિશાખાપટ્ટનમ દિલ્હી કેપિટલ્સ (DC)નું બીજું હોમ ગ્રાઉન્ડ છે. ટીમ અહીં 2 મેચ રમશે. 10 ટીમના બાકીના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, લખનઉ, મુલ્લાનપુર, દિલ્હી, જયપુર, કોલકાતા અને હૈદરાબાદ છે. સીઝનની બાકીની મેચ અહીં રમાશે. ટુર્નામેન્ટમાં 10 ટીમ વચ્ચે કુલ 74 મેચ રમાશે.
ચેન્નઈ અને મુંબઈએ સૌથી વધુ ટાઇટલ જીત્યા છે
IPL એ ભારતમાં રમાતી ફ્રેન્ચાઇઝ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તે દર વર્ષે માર્ચથી મે દરમિયાન T20 ફોર્મેટમાં રમાય છે. તેની શરૂઆત 2008માં 8 ટીમ સાથે થઈ હતી. રાજસ્થાને ફાઈનલમાં ચેન્નાઈને હરાવીને પ્રથમ સીઝનનો ખિતાબ જીત્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે સૌથી વધુ એટલે કે 5-5 ટાઇટલ જીત્યા છે. KKR 3 ટાઇટલ જીતનાર ત્રીજી સૌથી સફળ ટીમ છે.
ચેમ્પિયન્સ ટ્રોફીના 12 દિવસ પછી IPL
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ 9 માર્ચે યોજાશે. આના 12 દિવસ પછી IPL શરૂ થશે. આનો અર્થ એ થયો કે ખેલાડીઓને યોગ્ય રીતે તૈયારી કરવા માટે 2 અઠવાડિયા પણ નહીં મળે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં યોજાવાની છે. ભારતનો પહેલો મુકાબલો 20 માર્ચે બાંગ્લાદેશ સામે છે.