ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઇન્ડિયન રેવેન્યુ સર્વિસમાં 2015ની બેચના સીધી ભરતીથી જોડાયેલા સી.જી.એસ.ટી.માં ફરજ બજાવતા યુવાન અધિકારી ધર્મવીરસિંહ જાડેજાની ભારત સરકારનાં નાણા મંત્રાલય દ્વારા બઢતી સાથે જોઇન્ટ કમિશનર પદે નિમણૂક કરવામાં આવી છે.
ભચાઉ તાલુકાનાં ચીરઇના વતની એવા આ યુવાન અધિકારીએ અંજારની ખાનગી શાળામાં અભ્યાસ બાદ ગાંધીધામમાં ધો. 11-12 કોમર્સનો અભ્યાસ કરી અમદાવાદમાં સ્નાતકની ડિગ્રી મેળવી ઇન્ડિયન રેવેન્યુ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ રહ્યા હતા અને સી.જી.એસ.ટી.માં જોડાયા હતા. સર્વિસકાળ દરમ્યાન આ અધિકારીએ અનેક સારી અને મહત્ત્વપૂર્ણ કામગીરી કરી છે.
2021માં ઉત્તર પ્રદેશના કાનપુર, કનોજમાં દેશના સૌથી મોટા દરોડામાં 196 કરોડ, 125 કિલો સોનું તથા 600 કિલો ચંદનનું તેલ આ અધિકારીની સીધી દેખરેખ હેઠળ જપ્ત કરાયું હતું. આ દરોડામાં ધર્મવીરસિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમને જોઇન્ટ કમિશનરપદે બઢતી મળતાં તેમને અભિનંદન વર્ષા થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધર્મવીરસિંહના પિતારણજિતસિંહ જાડેજા અંજાર ક્ષત્રિય સમાજના વિવિધ હોદ્દા પર રહીને પોતાની સેવા આપી રહ્યા છે.