ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ રિલાયન્સે તેના OTT પ્લેટફોર્મ જિયો સિનેમાને હોટસ્ટાર સાથે મર્જ કરી દીધું છે. મર્જર પછી, કંપનીએ એક નવું OTT પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર લોન્ચ કર્યું છે.
આ નવા પ્લેટફોર્મ પર જિયો સિનેમા અને હોટસ્ટાર બંનેનું કન્ટેન્ટ ઉપલબ્ધ થશે. કંપનીએ ગયા વર્ષે સ્ટાર્સ ઇન્ડિયા ઓપરેશન્સ ખરીદ્યા હતા. જિયો હોટસ્ટારના આગમન પછી, યૂઝર્સના મનમાં કેટલાક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે તેમના હોટસ્ટાર અને જિયો સિનેમાનાં સબ્સ્ક્રિપ્શન્સનું શું થશે? IPLની મેચ જોવા માટે શું પૈસા દેવા પડશે? તો ચાલો જાણીએ દરેક સવાલોના જવાબ.
હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શનનું શું થશે?
જે યૂઝર્સ પાસે પહેલાથી જ જિયો સિનેમા અથવા ડિઝની+ હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન છે, તેણે ચિંતા કરવાની જરૂર નથી. કંપનીએ જણાવ્યું હતું કે હાલના સબ્સ્ક્રાઇબર્સ આપમેળે નવા પ્લેટફોર્મ પર ટ્રાન્સફર થઈ જશે. યૂઝર્સ લોગિન કરતાંની સાથે જ, તેને તેની મેમ્બરશિપ એક્ટિવ કરવાનો વિકલ્પ મળશે.
આનો અર્થ એ થયો કે વપરાશકર્તાઓને કોઈપણ વધારાની ફી ચૂકવ્યાં વિના જિયો હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન મળશે. તેવી જ રીતે, જે યૂઝર્સ પાસે જિયો સિનેમાનું સબ્સ્ક્રિપ્શન છે તેમનું જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન પણ એક્ટિવ થઈ જશે.
ક્રિકેટ પ્રેમીઓ માટે ખરાબ સમાચાર

જોકે, ક્રિકેટ પ્રેમીઓ માટે ખરાબ સમાચાર છે. હવે IPLની આખી મેચ મફતમાં દેખાશે નહીં. રોઇટર્સના અહેવાલ મુજબ, IPLની માત્ર થોડી મિનિટો મફતમાં જોવા મળશે. તે પછી તમારે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. સબ્સ્ક્રિપ્શન 149 રૂપિયાથી શરૂ થશે. પહેલા તમે જિયો સિનેમા પર મફતમાં IPL જોઈ શકતા હતા.
જિયોએ 2023થી શરૂ થતા પાંચ વર્ષ માટે IPL રાઇટ્સ $3 બિલિયનમાં ખરીદ્યા હતા. પરંતુ 2025થી, તમારે આખી મેચ જોવા માટે પૈસા ચૂકવવા પડશે. IPL દુનિયાની સૌથી ધનિક ક્રિકેટ લીગ છે. મુકેશ અંબાણીની રિલાયન્સ અને વોલ્ટ ડિઝની વચ્ચે $8.5 બિલિયનના મર્જર પછી તેને જોવાની રીત બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મર્જર ગયા વર્ષે થયું હતું.
જિયો હોટસ્ટારનાં સબ્સ્ક્રિપ્શનની કિંમત કેટલી છે?
જો તમે જિયો હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન ખરીદવા માગો છો, તો તેની કિંમત 149 રૂપિયાથી શરૂ થાય છે. આ ઉપરાંત, આ પ્લેટફોર્મ પરનાં અમૂક કન્ટેન્ટ સબ્સ્ક્રિપ્શન વિના પણ જોઈ શકાય છે. જિયો હોટસ્ટાર પર સબ્સ્ક્રિપ્શન વિના પ્રીમિયમ સામગ્રી પણ ઉપલબ્ધ છે. સબ્સ્ક્રિપ્શનની સાથે, યૂઝર્સને કંપની દ્વારા વધારાના લાભો પણ આપવામાં આવશે.