ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કંડલા-મુન્દ્રા વચ્ચેનો મહત્વનો ધોરીમાર્ગ હાલકાળે ખસ્તા હાલતમાં જઈ પહોંચ્યો છે. માર્ગ પર સુરક્ષા રેલિંગ, તૂટી ગયેલી સુરક્ષા રેલિંગ અને રાત્રી દરમિયાન ન દેખાય તેવી અંધારેલી પરિસ્થિતિ વાહનચાલકો માટે જીવલેણ બની છે. આ મુદ્દે અંજાર તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા યુવરાજસિંહ જાડેજાએ સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિત રજૂઆત કરી છે.
તેમણે જણાવ્યુ કે, ખેડોઈ, મથડા, ચાંદરોડા જેવા વિસ્તારોના સ્થાનિકો રાહદારી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. રસ્તાની બાજુ સર્વિસ રોડ ઉપલબ્ધ નથી, રેલિંગ તૂટી ગઈ છે અને ઓવરબ્રિજ પર લાઈટો બંધ હાલતમાં છે. પરિણામે અકસ્માતનો ભય સતત ઊભો રહ્યો છે. કેટલાક ઢાબા પર નશાનો ધંધો અને ચોરીના બનાવોને લઈ લોકોમાં ભયનો માહોલ છે.
યુવરાજસિંહ જાડેજાએ આ માર્ગ પર તાત્કાલિક સમારકામ અને સુરક્ષા સુવિધાઓને પુનઃસ્થાપિત કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે, અનેક નાગરિકો પોતાનાં પરિવારજનોને અકસ્માતમાં ગુમાવી ચૂક્યા છે, ત્યારે હવે વધુ વિલંબ ન થાય.