ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દીનદયાળ કંડલા પોર્ટે ૩૧ માર્ચ ૨૦૨૫ના રોજ પૂરાં થતાં નાણાંકીય વર્ષના અંતે કુલ ૧૫૦.૧૬ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરી, પ્રતિસ્પર્ધી પારાદીપ પોર્ટને પાછળ છોડીને ફરી દેશના નંબર વન પોર્ટનો તાજ હાંસલ કર્યો છે. ૨૦૨૪ના વર્ષમાં કંડલા પોર્ટે હેન્ડલ કરેલાં ૧૩૨.૩૭ એમ.એમ.ટી માર્ગોની તુલનાએ પારાદીપ પોર્ટે ૧૪૫.૩૮ એમ.એમ.ટી કાર્ગો હેન્ડલ કરીને સતત ૧૬ વર્ષથી સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગમાં અજેય રહેનાર કંડલા પોર્ટની આગેકૂચને અટકાવી દેશના નંબર વન પોર્ટનો તાજ છીનવી લીધો હતો.
પોર્ટ ચેરમેન સુશીલકુમાર સિંઘે જણાવ્યું કે ગત વર્ષની તુલનાએ સતત ૧૩ ટકા વૃધ્ધિદર સાથે ૧૫૦.૧૬ એમ.એમ.ટી સાથે કંડલા પોર્ટે ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી વધુ કાર્ગો હેન્ડલ કર્યો છે. આ ઐતિહાસિક સિધ્ધિ બદલ સિંઘે તમામ હિતધારકો, પીપીપી ઓપરેટર્સ, પોર્ટના સૌ અધિકારી કર્મચારીઓ અને હિતેચ્છુ સંગઠનોનો આભાર માન્યો છે. પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે પારાદીપ પોર્ટે જાહેર કરેલાં આંકડા મુજબ ૧૫૦ એમ.એમ.ટીકાર્ગો હેન્ડલ કર્યો છે, તેની તુલનાએ કંડલા પોર્ટે .૧૬ એમ.એમ.ટી અધિક કાર્ગો હેન્ડલ કરી દેશના તમામ ૧૨ સરકારી મેજર પોર્ટમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે.
કંડલા પોર્ટ દેશમાં ફરી નંબર વન બનતા ગાંધીધામ ચેમ્બરે શુભેચ્છા પાઠવી હતી. ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે શું કહ્યું….સાંભળો