કંડલામાં ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ માટે હજીરાથી ઈલેકટ્રોલાઈઝરને લીલીઝંડી

કંડલામાં ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ માટે હજીરાથી ઈલેકટ્રોલાઈઝરને લીલીઝંડી કંડલામાં ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ માટે હજીરાથી ઈલેકટ્રોલાઈઝરને લીલીઝંડી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મેરિટાઈમ સેક્ટરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દીનદયાલ પોર્ટને ગ્રીન હાઈડ્રોજન હબ જાહેર કરાયું છે. કેન્દ્ર સરકારના ર્નિણય અંતર્ગત સુરત ખાતે ઉત્પાદિત એક મેગાવોટના ઈલેકટ્રોલાઈઝરને કંડલા લાવવા માટે કેન્દ્રીય શિપિંગ મંત્રી દ્વારા વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવાયું હતું.

તાજેતરમાં ઈલેકટ્રોલાઈઝરનાં પરીક્ષણની સફળતા બાદ તુરંત બીજુ મહત્ત્વપૂર્ણ પગલું પાર પાડયું છે. ગ્રીન હાઈડ્રોજનનાં ઉત્પાદનમાં ડીપીએ દ્વારા સ્વદેશી ઈલેકટ્રોલાઈઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાઈડ્રોજન હબ બનવા તરફની સફરમાં આજે મહત્ત્વપૂર્ણ સિમાચિહ્ન હાંસલ કરાયું હોવાની અને મેરિટાઈમ સેક્ટરને ડીકાર્બોનાઈઝ કરવામાં પોર્ટ પ્રશાસનની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજે સુરત ખાતેથી કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલ દ્વારા એક મેગાવોટના ઈલેકટ્રોલાઈઝરને પ્રસ્થાન કરાવાયું તે વેળાએ કેન્દ્રીય શિપિંગ સચિવ ટી.કે. રામચંદ્રન, ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંઘ, એલ એન્ડ ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને ડેરેક એમ. શાહ ઉપસ્થિત રહ્યા હતા.

એલ એન્ડ ટી હઝીરા મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટી ખાતેથી આ ઈલેકટ્રોલાઈઝરને કંડલા ખાતે પ્રસ્થાન કરાવાયું હતું. ગાંધીધામ ખાતે ડી.પી.એ.ના વરિષ્ઠ અધિકારીઓએ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને આ હરિતઊર્જા ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ ઘટનાના સાક્ષી બન્યા હતા. એલ એન્ડ ટી દ્વારા હઝીરા ખાતે એક મેગાવોટના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરાઈ છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરાયું હતું. દીનદયાલ પોર્ટ દ્વારા આ ઈલેકટ્રોલાઈઝર્સનાં ઉત્પાદનની જવાદબદારી એલ એન્ડ ટીને સોંપી હતી.

નોંધપાત્ર કાર્યક્ષમતા દર્શાવીને માત્ર ત્રણ મહિનાના ગાળામાં આ ઈલેકટ્રોલાઈઝર તૈયાર કરવામાં આવ્યું હતું અને તેનું તાજેતરમાં સફળ પરીક્ષણ કરાયું હતું. માત્ર ત્રણ મહિનામાં ઈલેકટ્રોલાઈઝરનું નિર્માણ એ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની નિર્ણાયક બાબત છે, જે હાઈડ્રોજન જનરેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ સુવિધા દ્વારા ઉત્પાદિત ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ ઈંધણ કોષ દ્વારા સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવામાં આવશે, જે બંદર ઉપર ટકાઉ અને ઈકોફ્રેન્ડલી પાવર સોલ્યુશન માટેનો માર્ગ મોકળો થશે. પોર્ટ દ્વારા આ પ્લાન્ટમાં મોડયુલનો સમાવેશ કરીને ગ્રીન એમોનિયા ઉત્પાદનને એકીકૃત કરવાની યોજના પણ છે. વૈશ્વિક હરિતઊર્જાના ક્ષેત્રમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત કરશે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાનાં લક્ષ્યને હાંસલ કરવામાં ડી.પી.એ. મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *