ગાંધીધામ ટુડે, ન્યૂઝ : એક પછી એક કોમેડિયન તેમના નિવેદનને લઈને વિવાદમાં ફસાતા જઇ રહ્યા છે. તાજેતરનો મામલો કોમેડિયક કુણાલ કામરાને લગતો છે. કુણાલ કામરા આ વખતે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ટિપ્પણી કરીને ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયો છે.
શું છે મામલો?
માહિતી અનુસાર કુણાલ કામરાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબર ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે નામ લીધા વિના જ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સામે તીખા પ્રહાર કર્યા હતા.
શિવસૈનિકો ભડક્યાં
જોકે આ વીડિયો સામે આવતા જ એકનાથ શિંદેની સેનાના શિવસૈનિકો ભડક્યાં હતા અને તેમણે રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા સ્ટુડિયો અને હોટેલ યુનિકોન્ટીનેન્ટલમાં તોડફોડ મચાવી હતી. એવો દાવો છે કે આ વીડિયોનું શૂટિંગ અહીં જ થયું હતું. ઉલ્લેખનીય છે કે કામરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ ના એક હિન્દી ગીત પરથી મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે કટાક્ષ કર્યો અને તેમને ‘ગદ્દાર’ ગણાવ્યા હતા.
કામરાને શિંદે જૂથની ચેતવણી
શિવસેનાના સાંસદ મિલિંદ દેવરાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું, ‘એકનાથ શિંદેનો મજાક ઉડાવવામાં આવ્યો હતો. એક એવા નેતા જે પોતાના બળ પર ઓટો ડ્રાઈવરથી ભારતના બીજા સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચ્યા. તેમના પર કરવામાં આવેલી ટિપ્પણીઓ વર્ગવાદી ઘમંડને દર્શાવી રહી છે. શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ કામરાને ચેતવણી આપી હતી કે શિવસેનાના કાર્યકરો દેશભરમાં તેમનો પીછો કરશે. તમને ભારતથી ભાગી જવાની ફરજ પડશે.