ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તાજેતરમાં નિમણૂક પામેલી કચ્છ જિલ્લા કોંગ્રેસની શિસ્ત પાલન અને પ્રોટોકોલ સમિતિની પ્રથમ બેઠક ભુજ ખાતે યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે કરી હતી.
વી.કે. હુંબલે બેઠકની શરૂઆતમાં આનંદ ખાતે યોજાયેલા કોંગ્રેસના ત્રિદિવસીય સંમેલનમાં રાહુલ ગાંધીએ આપેલા માર્ગદર્શનની વિગતો જણાવી હતી. તેમણે પ્રદેશ કોંગ્રેસના સૂચનોને ધ્યાનમાં રાખીને શિસ્ત અને પ્રોટોકોલ માટેની માર્ગદર્શક રેખાઓ પર પણ ચર્ચા કરી.
આ બેઠકમાં, પૂર્વ ધારાસભ્ય અને સમિતિના વરિષ્ઠ સભ્ય વાલજીભાઈ દનીચાને સમિતિના અધ્યક્ષ તરીકે નિમવાની દરખાસ્ત રામદેવસિંહ જાડેજાએ મૂકી હતી, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.
કાર્યક્ષેત્ર અને ફરજો:
વાલજીભાઈએ સમિતિના કાર્યક્ષેત્ર અને ફરજો અંગેનું લેખિત બંધારણ રજૂ કર્યું હતું. જેમાં મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
- કોંગ્રેસના તમામ કાર્યક્રમોમાં શિસ્ત અને પ્રોટોકોલનું કડક પાલન કરવું.
- મીડિયા, સોશિયલ મીડિયા (જેમ કે ફેસબુક, વોટ્સએપ) કે વ્યક્તિગત રીતે કોંગ્રેસની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવી કોઈ પણ પ્રવૃત્તિ કે લખાણ પર કાર્યવાહી કરવી.
- સમિતિની બેઠક દર મહિને યોજવી.
- હોદ્દેદાર હોવા છતાં કોંગ્રેસના કામની અવગણના કરનાર સામે કાર્યવાહી કરવી.
- કોંગ્રેસના કાર્યક્રમોમાં મંચસ્થ બેઠક માટેના પ્રોટોકોલનું પાલન કરવું.
- અત્યાર સુધી શિસ્તભંગ અને પ્રોટોકોલ અંગે મળેલી ફરિયાદો પર નિર્ણય કરવો.
આ બંધારણને પ્રદેશ કોંગ્રેસની મંજૂરીની અપેક્ષા સાથે મંજૂર કરવામાં આવ્યું હતું. બેઠકમાં યજુવેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, એડવોકેટ અમીરઅલી લોઢિયા, કલ્પનાબેન જોશી અને વી.કે. હુંબલે સુધારા-વધારાના સૂચનો આપ્યા હતા. યજુવેન્દ્રસિંહ જાડેજાના આભાર પ્રસ્તાવ સાથે બેઠકનું સમાપન થયું હતું.