ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ જિલ્લામાં ઓવર સ્પીડ, નશામાં ડ્રાઇવિંગ, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને આડેધડ પાર્કિંગ જેવી કારણોસર માર્ગ અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. વર્ષ ૨૦૨૫ના શરૂઆતના ત્રણ મહિનામાં જ જિલ્લામાં ૫૨ જીવલેણ માર્ગ અકસ્માત નોંધાયા છે, જેમાંથી ૩૦ ઘટનાઓ માત્ર ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં બની છે.

ગત વર્ષ દરમિયાન સમગ્ર પૂર્વ કચ્છમાં ૨૧૧ જીવલેણ અકસ્માતોની નોંધ થઈ હતી, જ્યારે વર્ષ ૨૦૨૩માં આ સંખ્યા ૧૯૫ હતી. આ વર્ષે પણ તે જ રીતે ગંભીર અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. વિશેષ કરીને ભચાઉ-ગાંધીધામ હાઇવે, ગાંધીધામ-કંડલા હાઇવે, અંજાર-મુન્દ્રા હાઇવે અને ખેડોઇ પાસેના ગળપાદર હાઇવેને “રેડ ઝોન” તરીકે જોવામાં આવી રહ્યા છે.
આ અકસ્માતોમાં અનેક પરિવારો તેમના વહાલાંને ગુમાવીને ખંડિત બન્યા છે. આવી સ્થિતિમાં લોકો, ટ્રાફિક વિભાગ અને પ્રશાસન તરફથી અકસ્માત ઘટાડવા માટે ઠોસ, કડક અને અસરકારક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.