ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ અને પશ્ચિમ કચ્છ ખનિજ વિભાગ મારફતે નાણાકીય વર્ષમાં 388 કરોડ સરકારની તિજોરીમાં જમા થયા છે.
પશ્ચિમ કચ્છ ભુજ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી ડી.એસ.બારીયાએ જણાવ્યું કે, કચેરી હસ્તક ભુજ, માંડવી,નખત્રાણા,લખપત અને અબડાસા તાલુકાનો સમાવેશ થાય છે જિલ્લામાં કુલ 770 લિઝ મંજુર થયેલી છે અલગ અલગ વિસ્તારમાં ટીમ બનાવી આકસ્મિક તપાસ કરવામાં આવે છે.ખનીજચોરી અને રોયલ્ટી વગેરે મળી નાણાકીય વર્ષ દરમ્યાન કચેરીને 299 કરોડનો લક્ષ્ય આપવામાં આવ્યો હતો જેમા કુલ 296.49 કરોડની વસુલાત કરવામાં આવી છે 99.16 ટકા લક્ષ્ય સિદ્ધ થયો છે.વર્ષ દરમ્યાન ગેરકાયદે ખનન,વહન અને સંગ્રહના કુલ 258 કેસ કરવામાં આવ્યા હતા જેમાં 588.65 લાખની વસુલાત કરવામાં આવી છે. ગત નાણાકીય વર્ષ 2023-24માં 233.38 કરોડની વસુલાત કરાઈ હતી જેની તુલનાએ આ વર્ષે 63.11 કરોડનો વધારો નોંધાયો હોવાનું ઉમેર્યું હતું.
પૂર્વ કચ્છ અંજાર ભૂસ્તરશાસ્ત્રી એન.એ.પટેલે માહિતી આપતા જણાવ્યું કે, કચેરી હસ્તકના રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ અને મુન્દ્રા વિસ્તારમાં ચાઇનાકલે, બ્લેકટ્રેપ, લેટેરાઇટ, સાદી રેતી જેવા ખનિજની કુલ 309 લીઝો આવેલી છે ખનિજનું અન-અધિકૃત ખનન/વહન/સંગ્રહ ન થાય તે માટે સતત ચેકિંગ હાથ ધરવામાં આવે છે જેમાં વર્ષ 2024-25માં કુલ 405 કેસો કરી રૂ.947.26 લાખની વસુલાત કરાઈ છે. જ્યારે 12 કેસોમાં પોલીસ ફરીયાદ/કોર્ટ કેસ કરાયા છે. જયારે વર્ષ 2023-24માં 271 કેસો કરી રૂ.634.09 લાખની વસુલાત કરાઈ હતી. ગત વર્ષની સરખામણીમાં ચાલુ નાણાંકીય વર્ષમાં 134 કેસોનો વધારો થયો છે અને વસુલાતની રકમમાં પણ રૂ.313.17 લાખનો વધારો થયો છે.રોયલ્ટી (મહેસુલી) આવક વર્ષ 2023-24 માં રૂ.80.76 કરોડની હતી જે વધીને વર્ષ 2024-25માં રૂ.91.78 કરોડ થઈ છે.આમ,કડકાઈના કારણે ગત વર્ષની સરખામણીમાં રૂ.11.03 કરોડની મહેસુલી આવકમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.
પશ્ચિમ કચ્છ જિલ્લામાં કુલ 770 મંજુર લિઝ છે જે પૈકી પર્યાવરણીય મંજૂરીના અભાવે 240 બંધ છે તેવી રીતે પૂર્વ કચ્છ જિલ્લામાં પર્યાવરણીય સર્ટીફીકેટ (ઇસી) ના કારણોસર કુલ 309 લીઝમાંથી 184 લીઝ બંધ છે.મોટાભાગની લિઝ બંધ હોવા છતાં મહેસુલી આવકમાં વધારો નોંધાયો છે.