ગાંધીધામ ટુડે, ન્યૂઝ: કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આ વર્ષે પણ સરહદ પર ફરજ બજાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સાથે દિવાળીના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. ભુજ ખાતે આવેલ સેક્ટર હેડક્વાર્ટર ખાતે સાંસદશ્રીએ જવાનોને મીઠાઈનું વિતરણ કર્યું હતું અને દિવાળી તથા નવા વર્ષની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી.

દેશની સંવેદનશીલ ગણાતી કચ્છની ક્રિક અને રણ સરહદ પર આવેલી BSFની તમામ બોર્ડર આઉટ પોસ્ટ (BOP) પર પણ સાંસદ વિનોદ ચાવડા દ્વારા મીઠાઈ મોકલવામાં આવી હતી અને જવાનોને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવી હતી.

પોતાના વતન અને પરિવારથી દૂર રહીને દેશની રક્ષા માટે સરહદ પર સતત ફરજ બજાવી રહેલા જવાનોએ આ પ્રસંગે પરિવાર જેવો માહોલ અનુભવ્યો હતો. સાંસદશ્રીની આ પહેલથી જવાનોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સાંસદ વિનોદ ચાવડા દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા વીર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવાની પરંપરા જાળવી રાખે છે, જે તેમની પ્રત્યેનો આદર અને લાગણી દર્શાવે છે.