- શિકારપુરમાં હિસ્ટ્રીશીટરના અતિક્રમણ પર બુલડોઝર ફર્યુ તો, અંજારના વરસામેડીના બુટલેગરને પાસા હેઠળ ધકેલાયો
- આરોપીઓના અતિક્રમણ ઉપર કાર્યવાહી ચાલુ જ રહેશે – એસપી
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યના ડીજીપી દ્વારા 100 કલાકના અંદર રાજ્યના હિસ્ટ્રીશીટરોની લીસ્ટ તૈયાર કરવાની મળેલ સુચના બાદ સૌપ્રથમ પૂર્વ કચ્છમાં હિસ્ટ્રીશીટો પર અાઈજી ચીરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સામખિયાણીના શિકારપુરના અનેક ગુનાઓમાં હિસ્ટ્રીશીટર આરોપી હાજી આમદ ત્રાયાના અતિક્રમણ પર બુલડોઝર ફેરવવામાંં આવ્યો છે, તો અંજાર તાલુકાના વરસામેડીના બુટલેગર કાનજી ઉર્ફે કાના વેલા બઢિયાને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે.

રાજ્યના ડીજીપી વિકાસ સહાયે ૧૫ માર્ચ, ૨૦૨૫ના રોજ તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડા સાથે વીડિયો-કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. જેમાં રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને પોલીસ અધીક્ષકને આગામી ૧૦૦ કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સુચના આપવામાં આવી હતી.
અસામાજિક તત્ત્વોની યાદીમાં કેવાં તત્ત્વોનો સમાવેશ કરવો એ અંગે પણ સ્પષ્ટતા કરી હતી. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલી વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદે ધંધો કરનારાં તત્ત્વો, ખનીજચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારાં તત્ત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાતા રાજ્યમાં સૌ પ્રથમ પૂર્વ કચ્છમાં હિસ્ટ્રીશીટર વ્યક્તિઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી આરંભી દેવાઈ છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારએ જિલ્લાના અસામાજિક તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી ભચાઉનાં શિકારપુરના અનેક ગુનાઓમાં હિસ્ટ્રીશીટર આરોપી હાજી આમદ ત્રાયાના અતિક્રમણ પર કાર્યવાહી કરી હતી.

તો પૂર્વ કચ્છના વિવિધ પોલીસ મથકે દારૂના ગુના જેના વિરુધ્ધ નોંધાયા છે તેવા પૂર્વ કચ્છના કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ સુરત લાજપોર જેલ ધકેલી દેવાયો હતો. આ બાબતે એલસીબીના પીઆઇ એન એન ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યુ઼ હતું કે, અંજાર તાલુકાના વરસામેડીના બાગેશ્રી – 1, મકાન નં. 43/એ માં રહેતા કુખ્યાત બુટલેગર કાનજી ઉર્ફે કાના વેલા બઢીયા વિરુધ્ધ ગાંધીધામ, અંજારમાં અને ભચાઉ પોલીસ મથકે અનેક ગુનાઓ પ્રોહીબિશન એક્ટ હેઠળ નોંધાયા છે. આ કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ ધકેલવા માટે દરખાસ્ત તૈયાર કરી કચ્છ કલેક્ટરને મોકલાઇ હતી જેમાં કલેક્ટરે પાસા વોરંટ ઇશ્યુ કરતાં કાનજી ઉર્ફે કાના વેલા બઢીયાની પાસા તળે અટક કરી સુરત લાજપોર જેલ હવાલે કરી દેવાયો હતો.
