ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયશુક્રવારે કચ્છની મુલાકાતે આવ્યા હતા. ભુજ ખાતે આવેલા રેન્જ આઈજી ઓફિસ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ભુજ, ગાંધીધામ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના અરજદારોની રજૂઆતો સાંભળી હતી.
અરજદારોની ઉમટી પડેલી ભીડ, 22 લોકોને રૂબરૂ મળ્યા
This Article Includes
- 0.1 અરજદારોની ઉમટી પડેલી ભીડ, 22 લોકોને રૂબરૂ મળ્યા
- 0.2 દારૂ, વ્યાજખોરી અને ખનીજ ચોરી મુદ્દે ભારપૂર્વક રજુઆત
- 0.3 ઓપરેશન સિંદુરની સફળતા બદલ સન્માન
- 0.4 રેન્જ ઓફિસની વાર્ષિક તપાસ અને સૂચનો
- 0.5 પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર
- 0.6 વિશેષ રજુઆતો:
- 1 કચ્છમાં કાયદો વ્યવસ્થાની કથળી સ્થિતિ સામે કોંગ્રેસે ડીજીપી સમક્ષ રજૂઆત કરી
ડીજીપી સમક્ષ વધુ પ્રમાણમાં અરજદારો પહોંચતા, ફાળવેલ સમય ઓછો પડી ગયો હતો. તેમ છતાં 22 અરજદારોને રૂબરૂ મળીને રજૂઆતો સાંભળી અને બાકીના અરજદારો પાસેથી લેખિતમાં અરજીઓ મેળવી, યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
દારૂ, વ્યાજખોરી અને ખનીજ ચોરી મુદ્દે ભારપૂર્વક રજુઆત
દૂર-દરાજથી આવ્યા આવેલા અરજદારોમાં ખાસ કરીને દારૂના વેપાર, ખનીજ ચોરી અને વ્યાજખોરી જેવા ગુનાઓને લઈને ભારે રજુાતો થઈ. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ હાજરી આપી હતી અને ભુજ બોર્ડર વિંગ હોમગાર્ડને કચ્છમાં જ રાખવા માંગણી કરી હતી.
ઓપરેશન સિંદુરની સફળતા બદલ સન્માન
ઓપરેશન સિંદુર દરમિયાન જે રીતે કચ્છ સરહદ પર સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓએ બહેતર સંકલન સાથે કાર્ય કર્યું, તેની સરાહના કરીને ડીજીપીએ તેમના યોગદાન બદલ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું કે, “મારે ઘણા અધિકારીઓ સાથે તે સમયે ફક્ત ફોન પર વાત થતી હતી. આજે રૂબરૂ મળીને આનંદ થયો.”
રેન્જ ઓફિસની વાર્ષિક તપાસ અને સૂચનો
ડીજીપીએ ભુજ રેન્જ ઓફિસની વાર્ષિક તપાસ કરીને ચાર જિલ્લાની પોલીસ કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે બોર્ડર રેન્જ આઈજી તથા તમામ એસપીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર
ડીજીપીએ જણાવ્યું કે, “દર બે મહિને સ્થાનિક આગેવાનો તથા નાગરિકો સાથે મુલાકાત યોજવી જોઈએ જેથી લોકોની સમસ્યાઓ સીધા સાંભળી શકાય અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે.”
વિશેષ રજુઆતો:
- પોલીસ પરિવારની અપેક્ષા – ચોરીનો મુદ્દામાલ પરત અપાવવો
પોલીસકર્મી નયનાબેન સરવૈયાએ રજુઆત કરી કે વર્ષ પહેલાં હરિપર પોલીસ લાઈનમાં થયેલી ચોરીમાં તેમને મડતર હજુ સુધી મળ્યું નથી. તેઓએ 32 તોલા સોનું અને રોકડની વાપસીની માંગણી કરી હતી.
- દલિત અધિકાર મંચની રજૂઆત
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હિતેશ મહેશ્વરી અને તેમની ટીમે દારૂ, ડ્રગ્સ, ખનીજ ચોરી અને એટ્રોસીટી કેસોની હલકી તપાસ અંગે કચ્છ પોલીસ સામે તીવ્ર વાંધા સાથે રજૂઆત કરી અને કડક સૂચના આપવા માંગ કરી.
કચ્છમાં કાયદો વ્યવસ્થાની કથળી સ્થિતિ સામે કોંગ્રેસે ડીજીપી સમક્ષ રજૂઆત કરી
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) શ્રી વિકાસ સહાય કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે કોંગ્રેસના આગેવાનોએ સરહદી કચ્છ જિલ્લાની કાયદાકીય સ્થિતિ સુધારવા માટે તેમની સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.
રજુઆતમાં કચ્છમાં વધી રહેલા ગુનાહિત પ્રવૃત્તિઓ — ડ્રગ્સ, દારૂ, અપહરણ, બળાત્કાર, ખનીજ ચોરી, અને ટ્રાફિક બેફામ બંદોબસ્ત — સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
કાંકરેજ તાલુકાના મેઘપર-બોરીચી ગામે નવીન પોલીસ મથક ત્વરિત કાર્યરત કરાય એ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી અંજાર પંથકમાં વધી રહેલા ગુનાઓનો કાબૂ મળી શકે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, “દારૂ અને ડ્રગ્સના રેકેટમાં સ્થાનિક પોલીસ તંત્ર થાળે પડી ગયું છે, જ્યારે બહારની એજન્સીઓ દરોડા પાડે છે. ગુનાઓના મુદામાલ સાથે મોટા આરોપીઓ છોડાઇ જાય છે, જે ડરાવનારી સ્થિતિ છે.”
ટ્રાફિકની અવ્યવસ્થાનો ઉલ્લેખ પણ નોંધાયો હતો. ભુજ અને ગાંધીધામ જેવા શહેરોમાં ટ્રાફિક પોલીસે પોતાની કામગીરીમાં નિષ્ફળતા બતાવી છે. લોકોને કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે, છતાં મુખ્ય પોઈન્ટ પર પોલીસની હાજરી ન જોવા મળે તે મુશ્કેલી ઊભી કરે છે.
એટલું જ નહીં, રાષ્ટ્રીય ધોરણે કડક પાબંદી હોવા છતાં બ્લેક ફિલ્મ વાળા વાહનો ખુલ્લેઆમ ફરતા હોવાની પણ ફરિયાદ રજૂ કરવામાં આવી હતી. જ્યારે સામાન્ય લોકોને નાની નાની વાતમાં દંડ ફટકારવામાં આવે છે.
કોંગ્રેસના પ્રતિનિધિ મંડળમાં રામદેવસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, એચ.એસ. આહીર, ગની કુંભાર અને ધીરજ ગરવા સહિતના સામેલ રહ્યા હતા.
અંતે, ડીજીપી વિકાસ સહાયે રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી, યોગ્ય પગલાં લેવા અને કાયદાકીય વ્યવસ્થામાં સુધારા લાવવાની ખાતરી આપી હતી.