ગાંધીધામ ટુડે, કચ્છ: કચ્છમાં ચૈત્ર માસની ભીષણ ગરમીએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. કંડલા એરપોર્ટમાં સતત બીજા દિવસે તાપમાન 45 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. આ સાથે અંજાર-ગાંધીધામ સંકુલ રાજસ્થાનના બાડમેર પછી દેશનું બીજું સૌથી ગરમ સ્થળ બન્યું છે. આના કારણે બજારો અને રસ્તાઓ પર સૂમસામ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
Advertisements
તો બીજી તરફ કચ્છ જિલ્લાને લઈને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA) તરફથી મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાક માટે તીવ્ર ગરમીનું મોજું અનુભવાશે તેવી શક્યતા છે. તાપમાનમાં તીવ્ર વધારો નોંધાશે અને ખાસ કરીને બપોરના સમયમાં લૂ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
NDMA દ્વારા આપવામાં આવેલ એલર્ટ અનુસાર, કચ્છના ઘણા વિસ્તારોમાં તાપમાન 44°C કે તેથી વધુ થઈ શકે છે. આ ગરમી સામાન્ય જનજીવનને અસર કરી શકે છે અને તંદુરસ્ત વ્યક્તિઓને પણ ડિહાઇડ્રેશન, થાક, ચક્કર, ઉલટી અને હિટ-સ્ટ્રોક જેવા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જાહેર જનતાને તંત્ર તરફથી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ બપોરના 12થી 4 દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે. જરૂરી કામગીરી માટે બહાર જવું પડે તો ટોપી, છત્રી, ગોગલ્સ અને હળવા રંગના કોટન કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ, શરીરમાં પાણીની ઉણપ ન થાય એ માટે દિવસ દરમિયાન પૂરતું પાણી, છાસ, લીંબુ પાણી, નારીયળ પાણી જેવા પદાર્થો લેવાનો પણ ઉપદેશ આપવામાં આવ્યો છે.
NDMAના જણાવ્યા અનુસાર, વૃદ્ધો, બાળકો અને ગરમ હવામાનને લઈને અતિસંવેદનશીલ વ્યક્તિઓ માટે આ અવધિ વધુ જોખમકારક બની શકે છે. તેમનો ખાસ રીતે ખ્યાલ રાખવો જરૂરી છે.
સ્થાનિક તંત્ર પણ સક્રિય કચ્છના વિવિધ તાલુકા અને નગરપાલિકાઓ દ્વારા પણ જાહેરાતો અને એલર્ટ અપાઈ રહ્યા છે. શાળાઓ અને જાહેર સ્થળોએ તાપમાનને લઈને જાગૃતિ લાવવાનો પ્રયાસ શરૂ થઈ ગયો છે.
Advertisements
હવે જાહેર જનતાનું પણ ફરજ બને છે કે તેઓ તંત્રની સૂચનાઓને અનુસરે અને પોતાના તથા પરિવારના સભ્યોના આરોગ્યને પ્રાથમિકતા આપે.