ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ તાલુકાના લાખાપર ગામે ચાર વર્ષ પૂર્વે બનેલા સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના ચકચારી કેસમાં ભચાઉની પોક્સો કોર્ટે આરોપી વિજય પ્રતાપ કોળીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના ૨૬/૧૦/૨૦૨૦ના રોજ બની હતી, જ્યારે સાત વર્ષની માસૂમ બાળકી પોતાના સંબંધીના ઘરે પાણી જોવા ગઈ હતી અને ત્યારબાદ ગુમ થઈ હતી. શોધખોળ બાદ તેની લાશ ઘર નજીકના બંધ મકાનના રસોડામાંથી મળી આવી હતી.
આ જઘન્ય કૃત્ય બાદ પોલીસે તપાસ હાથ ધરી આરોપી વિજય પ્રતાપ કોળીની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ ભચાઉની પોક્સો કોર્ટમાં ચાલતા સરકારી વકીલ ડી. એસ. જાડેજા અને પૂર્વ કચ્છ પોલીસના ક્રાઈમ એડવાઈઝર ડી.બી. જોગીએ કોર્ટમાં ૩૪ મૌખિક અને ૧૦૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તમામ પુરાવા અને દલીલોને ધ્યાને લઈ ન્યાયાધીશ અંદલિપ તિવારીએ આરોપી વિજય પ્રતાપ મહાલિયા (કોળી)ને વિવિધ કલમો હેઠળ આજીવન કેદ અને કુલ રૂ. ૧૬,૦૦૦નો દંડ ફટકાર્યો છે.