ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભુજના માધાપર ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ મિત્રતાનો લાભ ઉઠાવીને તેના મિત્રનું મકાન પચાવી પાડ્યું હતું. આખરે, મકાનમાલિકની ફરિયાદ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
This Article Includes
મુન્દ્રાના મોટી ખાખર ગામના રહેવાસી વાછીયાભાઈ નાગશી મહેશ્વરી અને તેમના પત્ની મીનાબેન બલિયાએ ભુજના માધાપર ખાતે શાલીભદ્ર નગર-2માં એક પ્લોટ નંબર 60/B પર મકાન ખરીદ્યું હતું.
આ સમયે, વાછીયાભાઈના મિત્ર ઘનશ્યામસિંહ પબાજી સોઢાએ તેમને વિનંતી કરી કે તેમને રહેવા માટે ઘર મળતું નથી અને તેમનું બજેટ પણ ઓછું છે. મિત્રતાના સંબંધે, ઘનશ્યામસિંહે માત્ર ૪-૫ મહિના માટે મકાન રહેવા માટે આપવાની આજીજી કરી હતી. વાછીયાભાઈએ મિત્રતા અને દયાના ધોરણે તેમને મકાન રહેવા આપ્યું.
મિત્રએ મકાન ખાલી કરવાનો ઇન્કાર કર્યો
જોકે, ૪-૫ મહિના વીતી ગયા બાદ પણ ઘનશ્યામસિંહે મકાન ખાલી કર્યું નહિ. વાછીયાભાઈએ અનેકવાર વિનંતી કરી, પરંતુ ઘનશ્યામસિંહે મકાન ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આખરે, ઘનશ્યામસિંહે ધમકી પણ આપી કે, “તારાથી થાય તે કરી લેજે, હું મકાન ખાલી નહિ કરું.”
લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી
ઘનશ્યામસિંહના આ ગેરકાયદેસર કબજાથી કંટાળીને વાછીયાભાઈએ તેમના વકીલ શૈલેન્દ્ર ડી. માતંગ મારફતે ઘનશ્યામસિંહને મકાન ખાલી કરવા નોટિસ મોકલી હતી. તેમ છતાં આરોપીએ મકાન ખાલી ન કરતા, વાછીયાભાઈએ જિલ્લા કલેક્ટર સમક્ષ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી.
કલેક્ટરનો FIR કરવાનો આદેશ
આ કેસમાં કલેક્ટર કચેરી દ્વારા ડેપ્યુટી કલેક્ટર મારફતે તપાસ કરવામાં આવી. બંને પક્ષોને સાંભળ્યા બાદ, ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો અને મહેસૂલ વિભાગના પરિપત્ર મુજબ, કમિટીએ આખરી સુનાવણી હાથ ધરી. વાછીયાભાઈના વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કમિટીએ તારીખ ૨૯/૦૮/૨૦૨૫ ના રોજ સર્વાનુમતે આરોપી ઘનશ્યામસિંહ પબાજી સોઢા વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો.
આ આદેશ મુજબ, માધાપર પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એમ. ઝાલા સમક્ષ ફરિયાદ નોંધવામાં આવી છે. કેસની વધુ તપાસ ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ એમ.જે. ક્રિશ્ચિયન કરી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે લેન્ડ ગ્રેબિંગ કાયદો મિલકત માલિકોને રક્ષણ આપવામાં સક્ષમ છે.