ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહનનો પર્દાફાશ થયો છે. એલસીબી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા રોયલ્ટી વગરની 100 મેટ્રિક ટન રેતી ઝડપી પાડી છે. આ સાથે, રેતીની હેરાફેરીમાં વપરાયેલું લોડર મશીન (GJ-1-CM-2131) અને ડમ્પર (GJ-JJ-8344) પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસે દાઉદ ભચુ કકલ નામના આરોપીની ધરપકડ કરી છે, જે આ રેતીનો સંગ્રહ કરી તેને વેચવાની તૈયારીમાં હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત રૂ. 13,35,000 આંકવામાં આવી છે અને તેને ખાણ-ખનિજ વિભાગને સોંપવામાં આવ્યો છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સિનુગ્રામાં લાંબા સમયથી રેતીચોરીનું કારસ્તાન ચાલી રહ્યું હતું. ખંભરા માર્ગ પરથી રેતી અને સિલિકા ભરેલાં તોતિંગ વાહનોની અવરજવરના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે, ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. લોકોએ આવાં ઓવરલોડ વાહનોને રોકવા માટે માંગ કરી છે.
આ ઘટનાથી પોલીસની સક્રિયતા સામે આવી છે, પરંતુ ખાણ-ખનિજ વિભાગની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે કે ગેરકાયદેસર ખનન અને વહન તેમની નજરમાં કેમ આવતું નથી.