ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સુરેન્દ્રનગર એલસીબીએ સાયલા નજીક એક મોટા ઓપરેશનમાં 1.45 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે અને ચાર અન્ય લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં કચ્છના એક આરોપીનો પણ સમાવેશ થાય છે.
બાતમી મળતા પોલીસે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. 13-05-2025ના રોજ વહેલી સવારે શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1,45,62,000 રૂપિયાની કિંમતનો દારૂ, 20 લાખનો ટ્રક અને રોકડ સહિત કુલ 1,65,92,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે ટ્રક ચાલકથાનારામ સન ઓફ દુર્ગારામ દલારામજી જાટની ધરપકડ કરી છે અને મુકેશ દેવાશી, બે અજાણ્યા પંજાબના માણસો અને દારૂ મંગાવનાર કચ્છ મુંદ્રાના અજાણ્યા શખ્સ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ગુનો કરવા કાવતરું રચ્યું હતું અને પોલીસ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે, ખાસ કરીને કચ્છના આરોપીની સંડોવણી અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.