ગાંધીધામ ટુડે, ન્યૂઝ :બોલિવૂડના દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. આ કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોજ કુમાર ભારતીય સિનેમામાં ‘ભારત કુમાર’ તરીકે જાણીતા છે. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મનોજ કુમારના પુત્ર કુણાલ ગોસ્વામીએ જણાવ્યું કે- ‘તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. ભગવાનની કૃપા છે કે છેલ્લી ઘડીએ તેમને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં, તેમણે શાંતિથી આ દુનિયાને અલવિદા કહ્યું. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે થશે.
મનોજ કુમાર લાંબા સમયથી લીવર સિરોસિસથી પીડાતા હતા. 21 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મનોજ કુમારને 7 ફિલ્મફેર એવોર્ડ મળ્યા. પહેલો ફિલ્મફેર એવોર્ડ 1968માં ફિલ્મ ઉપકાર માટે મળ્યો હતો. ઉપકાર ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ માટે ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા. 1992માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 2016માં તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
મનોજ કુમારે લાલ બહાદુર શાસ્ત્રીની વિનંતી પર ઉપકાર (1967) ફિલ્મ બનાવી, પરંતુ શાસ્ત્રીજી આ ફિલ્મ જોઈ શક્યા નહીં. શાસ્ત્રીજીનું અવસાન 1966માં થયું.