ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ જિલ્લાના ગામડાઓ અને શહેરોમાં દેશી તેમજ અંગ્રેજી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાની ગંભીર ચિંતા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મંત્રી મુસ્તાક સોઢાએ વ્યક્ત કરી છે. તેમણે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક (એસપી)ને પત્ર પાઠવી દારૂબંધીના કાયદાનો ભંગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

મુસ્તાક સોઢાએ પત્રમાં જણાવ્યું કે, ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારોમાં કેબીન અને જાહેર સ્થળોએ સરળતાથી દારૂ મળી રહ્યો છે, જેના કારણે અનેક યુવાઓ આ લતનો શિકાર બનીને પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી કાયદો હોવા છતાં કાર્યવાહી ન થતા આવા ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે.

તેઓએ વધુમાં કહ્યું કે, પૂર્વ કચ્છમાં આશરે 100થી 200 જેટલા સ્પા સેન્ટર ચાલી રહ્યા છે, જેમાંથી લગભગ 99 ટકા સ્પા સેન્ટર દેહવ્યાપાર સાથે સંકળાયેલ હોવાનો શંકાસ્પદ મામલો છે. તેમણે પોલીસતંત્રને આ દિશામાં પણ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે તંત્રને કડક પગલાં ભરવા અપીલ કરી છે.