શહેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા ગાંધીધામમાં લોક કલ્યાણ મેળો યોજાયો

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણીના ભાગરૂપે પી.એમ. સ્વનિધિ યોજના 2.0 હેઠળ વિશેષ “લોક કલ્યાણ મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં જીવન નિર્વાહ કરતા શેરી ફેરીયાઓને આત્મનિર્ભર બનાવી તેમની રોજગાર પ્રવૃત્તિઓને ફરીથી ધમધમતી બનાવવા માટે પ્રોત્સાહન આપવાનો હતો.

કોવીડ-૧૯ દરમિયાન શરૂ કરાયેલી સહાયરૂપ યોજના

ભારત સરકાર દ્વારા કોવીડ-19 મહામારીના કપરા સમયમાં શેરી ફેરીયાઓને સહાયરૂપ થવા માટે પી.એમ. સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ફેરીયાઓને બેંકો મારફતે લોન પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ લોકડાઉન દરમિયાન બંધ થયેલા તેમના નાના ધંધા અને રોજગારને પુનઃપ્રારંભ કરી શકે.

Advertisements

ગાંધીધામ મહાનગરપાલિકાએ આ યોજનાનો અસરકારક અમલ કરીને અત્યાર સુધીમાં કુલ 3220 ફેરીયાઓને રૂ. 5,30,20,000ની લોનનો લાભ બેંકો મારફતે અપાવ્યો છે. આ સહાયથી અનેક પરિવારોને આર્થિક તંગીમાંથી બહાર આવવામાં સહાય મળી છે અને તેઓ ફરીથી રોજગાર સાથે સંકળાઈ શક્યા છે.

શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી સાથે મેળાનું આયોજન

આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પી.એમ. સ્વનિધિ યોજના 2.0 વર્ષ-2023 સુધી ચાલુ રાખવામાં આવી છે. તે જ અંતર્ગત, ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી તરીકે ત્રણ દિવસીય “લોક કલ્યાણ મેળા”નું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત અંગીકાર અભિયાન-2025 પણ આ મેળામાં જોડાયું હતું.

કાર્યક્રમનું ઉદઘાટન અને મહાનુભાવોનું ઉપસ્થિત

આ લોક કલ્યાણ મેળાનું ઉદઘાટન માનનીય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મહાનગરપાલિકાના માનનીય કમિશ્નર મનીષ ગુરવાની, નાયબ કમિશ્નર મેહુલ દેસાઈ, સંજયકુમાર રામાનુજ, તથા લીડ ડિસ્ટ્રીક ચીફ મેનેજરની ઉપસ્થિતિમાં થયું હતું. કાર્યક્રમમાં અનેક બેંક પ્રતિનિધિઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડે.એન.યુ.એલ.એમ. વિભાગની મેનેજર વિમલબેન હેરમા દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્યએ પોતાના અધ્યક્ષ સ્થાને તબક્કાવાર રીતે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને વધુમાં વધુ લાભાર્થીઓ આ યોજનાઓનો લાભ લે તેવી અપીલ કરી.

મેળામાં અપાયેલ સહાય અને નવી અરજીઓ

મેળા દરમ્યાન પી.એમ. સ્વનિધિ યોજના 2.0 હેઠળ કુલ 10 લાભાર્થીઓને રૂ. 3,75,000ની સહાય આપવામાં આવી, જ્યારે કુલ 42 નવા લાભાર્થીઓની લોન માટેની અરજીઓ સ્વીકારવામાં આવી. બેંકો દ્વારા કુલ 21 લાભાર્થીઓની લોન મંજુર કરવામાં આવી હતી અને 16 લાભાર્થીઓને લોનની રકમની ચુકવણી (ડિસ્બર્સમેન્ટ) કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 7 લાભાર્થીઓને મકાન બનાવવા માટેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા તેમજ 10 નવા લાભાર્થીઓની અરજીઓ પણ સ્વીકારવામાં આવી હતી.

Advertisements

મહાનગરપાલિકાનો અનુરોધ

ગાંધીધામ મહાનગરપાલિકાએ અંતમાં અનુરોધ કર્યો કે જરૂરિયાતમંદ નાગરિકો આ પ્રકારના લોક કલ્યાણ મેળા દ્વારા સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લઈ પોતાના જીવન અને રોજગારને મજબૂત બનાવે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment