ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતના કેટલાક એરપોર્ટ સરકારી તિજોરી માટે ખોટનો ધંધો સાબિત થયા છે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) દ્વારા સંચાલિત ગુજરાતના 8 એરપોર્ટને છેલ્લા 10 વર્ષ (નાણાકીય વર્ષ 2015-16થી 2024-25)માં કુલ ₹817.51 કરોડનું મોટું નુકસાન થયું છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ આંકડાઓ રાજ્યમાં એરપોર્ટના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કરે છે.

સૌથી વધુ ખોટ રાજકોટ અને ભાવનગરને
આ આંકડાઓ અનુસાર, રાજકોટ એરપોર્ટને સૌથી વધુ ₹418.67 કરોડની ખોટ થઈ છે, જે કુલ નુકસાનના અડધા કરતાં પણ વધારે છે. જોકે, રાજકોટમાં નવા હિરાસર એરપોર્ટના શરૂ થયા બાદ એર ટ્રાફિક વધતાં ભવિષ્યમાં આ ખોટ ઘટવાની શક્યતા છે.

રાજકોટ પછી બીજા ક્રમે ભાવનગર એરપોર્ટ છે, જેને ₹122.08 કરોડની ખોટ થઈ છે. આ સિવાય પોરબંદર, ભુજ, દીવ અને કંડલા જેવા એરપોર્ટ પણ મોટું નુકસાન નોંધાવી રહ્યા છે.

ગુજરાતના 8 એરપોર્ટને છેલ્લા 10 વર્ષમાં થયેલી કુલ ખોટ:
એરપોર્ટ | ખોટ (કરોડ) |
રાજકોટ | 418.67 |
ભાવનગર | 122.08 |
પોરબંદર | 78.29 |
ભુજ | 57.46 |
દીવ | 47.99 |
કંડલા | 47.17 |
કેશોદ | 41.49 |
ડીસા | 3.9 |
વડોદરા અને સુરતનો સમાવેશ નહીં
આ યાદીમાં વડોદરા અને સુરત એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે અમદાવાદ એરપોર્ટનું ચાર વર્ષ પહેલાં ખાનગીકરણ થઈ ગયું હતું, જેથી તેનો પણ આ આંકડાઓમાં સમાવેશ નથી. આ ઉપરાંત, સમગ્ર દેશમાં હાલ 22 એરપોર્ટ કાર્યરત નથી, જેમાં ગુજરાતનું ડીસા એરપોર્ટ પણ સામેલ છે.

આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યના ઘણા નાના એરપોર્ટ આર્થિક રીતે સક્ષમ નથી અને સરકાર માટે નાણાકીય બોજ બની રહ્યા છે. ભવિષ્યમાં આ પરિસ્થિતિ સુધારવા માટે કેવા પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું.
