પ્રેમ, પૈસા અને પ્રપંચથી ડબલ મર્ડરની ફિલ્મી કહાનીનો પર્દાફાશ

પ્રેમ, પૈસા અને પ્રપંચથી ડબલ મર્ડરની ફિલ્મી કહાનીનો પર્દાફાશ પ્રેમ, પૈસા અને પ્રપંચથી ડબલ મર્ડરની ફિલ્મી કહાનીનો પર્દાફાશ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઈન્સ્ટાગ્રામના યુગમાં પણ પૈસા, પ્રેમ અને પ્રપંચ ગંભીર ગુનાના પાયામાં માનવીય સંવેદનાના આ કારણો હોઈ શકે છે. ફિલ્મી કહાનીને ટકકર મારે તેવો ઘટનાક્રમમાં કલોલના બોરીસણા ગામના બે મિત્રોની ઉંઘની ટીકડીઓ ખવડાવી કેનાલમાં નાખી હત્યા કરવામાં આવી હતી. જઘન્ય અપરાધ કરીને ઈન્સ્ટાગ્રામની શોખીન પત્નીના પ્રેમીની યુક્તિપૂર્વક હત્યા કરી સાથે લાવેલા છ લાખ લઈને પતિ અને બે મિત્રો પલાયન થયાં. પણ, કૂદરતે જાણે ભાંડો ફોડયો હોય તેમ કચ્છના રાપર પોલીસની શંકાથી આરોપીઓ ઝપટમાં ચડી ગયાં. ગુનો આચરીને અંદાજે અઢીસો કિલોમીટર દૂર કચ્છ અંતરિયાળ રાપરમાં ઠરઠામ થવા નીકળેલાં ત્રણ યુવકો સાથે પ્રેમ, પૈસા અને પ્રપંચનો ભાંડો કઈ રીતે ફૂટ્યો તેની ઓનલાઈન અને ઓફલાઈન કહાની વાસ્તવિક છતાં ફિલ્મી હોય તેવું જ લાગે છે.

કલોલ તાલુકાના બોરીસણા ગામે રહેતા દશરથ ઉર્ફે ટીનાજી ઠાકોર જમીન લે-વેચનું કામ કરતો હતો અને ઈન્સ્ટાગ્રામ ઉપર ટાઈમપાસ કરવાનો શોખિન હતો. સાતથી આઠ મહિના પહેલાં ૨૩ વર્ષના અપરણિત દશરથ ઠાકોરનો સંપર્ક ઈન્સ્ટાગ્રામ ઉપર પુનમ સાથે થયો હતો. બંન્ને ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ બન્યા અને મેસેજથી વાતચીતનો દોર શરુ થયો હતો. ભાભર તાલુકાના ખડોસણ ગામમાં રહેતા પતિ ભરત ઠાકોર(ઉ.વ.ર૮)ને પત્ની પૂનમની ગતિવિધિઓ શંકાસ્પદ લાગી હતી. તપાસ કરતાં પતિ ભરતને પત્ની પૂનમના સંબંધો દશરથ સાથે હોવાની જાણ થઈ હતી. પત્નીના પ્રેમમાં પતિને પૈસો દેખાયો અને તેણે દશરથ સાથે મિત્રતા કેળવી લીધી હતી. પતિ ભરતજી જેમતુજી ઠાકોરને તેની પત્ની સાથે દશરથજીના આડા સંબંધો છે તેઓ શક અને વહેમ રાખીને ભરતજી પાસેથી પૈસા માગતો હતો અને દશરથજી તેને ઓનલાઈન પૈસા આપતા હતા તેમજ ભરતજીએ દશરથજી જાેડેથી પૈસા લઈને કાર ખરીદી હતી તે કાર તેણે દશરથજીના પુત્રના નામે ખરીદી હતી ત્યારબાદ તેણે ૧.૧૦ લાખ ભરતજી પાસેથી લઈને સાડીઓની દુકાન ચાલુ કરી હતી.

પતિ ભરત પત્નીના પ્રેમી દશરથ પાસેથી ધનલાભ મેળવવા સક્રિય થયો અને મિત્રતા ગાઢ બની હતી. એવામાં દશરથે એક વખત ભરતને કહી દીધું હતું કે, તારી પત્ની મને આપી દે, હું તને ૨૦ લાખ રૂપિયા આપીશ. પત્નીના ઈન્સ્ટા-ફ્રેન્ડે સોદાબાજીની વાત કરતાં જ પતિ ભરતે મારી પત્ની વેચાતી લેવી છે તેવા વિચાર સાથે ખૌફનાક ફિલ્મી પ્લાન ઘડી નાંખ્યો હતો. ભરતે મિત્રતા હોવાથી દશરથને ભાભરમાં સોનાની લગડી જેવી જમીન છ લાખ રૂપિયામાં અપાવી દેવાની લાલચ આપી હતી. દશરથે મિત્રતા વધુ ગાઢ બનાવવાના ઈરાદે આ ઓફર સ્વિકારી લીધી.

દશરથ છ લાખ રૂપિયા લઈને મિત્ર ગિરીશ ઠાકોરને સાથે રાખી જમીનનો સોદો કરવા નીકળ્યો હતો. બીજી તરફ, હત્યાની યોજના ઘડી ચૂકેલા પતિ ભરત ઠાકોરે તેના બે મિત્રો મેઘરાજ અને પ્રકાશની મદદ લીધી હતી.
જમીનનો સોદો કરવા માટે દશરથ અને ગિરીશ સાથે ભરત નીકળી પડયો હતો. પણ, ભરતના બે મિત્રો મેઘરાજ અને પ્રકાશ પાછળ બીજી કારમાં આવી રહ્યાં હતાં. મહેસાણા જમીનના પૈસા આપવા નીકળેલા દશરથ અને ગિરીશ ઠાકોર રાત્રે ૩ વાગ્યા સુધી ઘરે ન આવતાં અને મોબાઈલ ફોન બંધ હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. કલોલ પોલીસે બન્ને ગુમ થયાની જાણવાજાેગ નોંધ કરી હતી. બીજી તરફ શોધખોળ દરમિયાન બન્નેના મૃતદેહ શેરીસા પાસેની કેનાલમાંથી મળી આવ્યાં હતાં. દશરથ અને ગિરીશના ભેદી સંજાેગોમાં મૃત્યુની તપાસ ચાલી રહી હતી ત્યાં રાપર પોલીસે કડક ચેકીંગ દરમિયાન અકલ્પનીય ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

રાપર પી.આઈ. જે. બી. ખૂબડિયાએ જણાવ્યું કે, રાપરમાં બસ સ્ટેશન પાસેથી ભરત ઠાકોર (ઉ.વ.૨૮), મેઘરાજ ઠાકોર (ઉ.વ. ૨૩) અને પ્રકાશ ઠાકોર (ઉ.વ. ૧૯) શંકાસ્પદ જણાયાં હતાં. પોલીસે ત્રણેયની બેગ તપાસતાં તેમાંથી રૂા. ૫,૯૩,૬૦૦ મળી આવ્યાં હતાં. ૫.૯૩ લાખ રૂપિયા જેવી રકમ ક્યાંથી આવી અને ક્યાં જઈ રહ્યાં હતાં તેની કડક પૂછપરછમાં પ્રેમ, પૈસા અને પ્રપંચથી ડબલ મર્ડરની ફિલ્મી કહાનીનો પર્દાફાશ થયો હતો. રાપર પોલીસે જણાવ્યું કે, ઈન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ બનેલી પૂનમને પામવા માટે જમીન દલાલ દશરથ ઠાકોર પૂનમના પતિ ભરતને મિત્ર બનાવી પૈસાની લાલચમાં પોતાનો બનાવી રહ્યો હતો. પણ, પૂનમને ૨૦ લાખ લઈને આપી દેવાની વાત કરનાર દશરથનું કાસળ કાઢી નાંખવા પતિ ભરતે ફિલ્મી કહાની ઘડી નાંખી હતી. ગુનો કોઈ દિવસ છૂપાયેલો રહેતો નથી એ વાસ્તવિક સ્થિતિમાં ઈન્સ્ટાગ્રામની લવ સ્ટોરી સાથે ડબલ મર્ડરનો ભેદ ખુલી ગયો છે.

રાપર પોલીસે ડબલ મર્ડરના આરોપી (૧) ભરત જેમતુજી ઠાકોર, ઉ.વ.૨૮ રહે.ખડોસણ તા.ભાભર જી.બનાસકાઠા અને તેને મદદગાર બનેલા બે મિત્રો (૨) મેઘરાજ રુગનાથ ઠાકોર ઉ.વ.૨૩ રહે.તેરવાડા તા.કાકરેજ જી.બનાસકાંઠા, (૩) પ્રકાશભાઈ વશરામભાઈ ઠાકોર ઉ.વ.૧૯ રહે.તેરવાડા તા.કાકરેજ જી.બનાસકાંઠાની ધરપકડ કરી કલોલ પોલીસને સોંપ્યા છે. રાપર પોલીસ અને સર્વેલન્સ ટીમે કરેલી કડક ચેકીંગ કાર્યવાહીથી આરોપીઓની આયોજનપૂર્વકની હત્યા છૂપાવવા સાથે મેળવેલી છ લાખ જેવી રકમથી કચ્છના રાપરમાં સેટ થઈ જવાની ફિલ્મી કહાની ઊંધી પડી છે. ગુજરાતી કહેવત છે ગમે તેટલો કોશિષ કરો, પાપ છાપરે ચડીને પોકારે જ છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *