ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.પી. પટેલ કન્યા વિદ્યાલય માધ્યમિક શાળા અને એચ.કે.વી. પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો. કાર્યક્રમનું અનોખું સ્વાગત બેન્ડ પાર્ટી અને ઢોલના ઘમકામાં મહેમાનોના આગમન સાથે કરવામાં આવ્યું હતું.

પ્રવેશોત્સવના મુખ્ય અધ્યક્ષ તરીકે ગાંધીનગર સચિવાલયના વન અને પર્યાવરણ વિભાગના ઉપસચિવ શ્રી પ્રકાશકુમાર સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને સુંદર પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે બી.આર.સી. લાલજીભાઈ ઠક્કર, નગરસેવક કમલેશભાઈ પરિયાણી, સંસ્થાના ઉપપ્રમુખ કિશોરભાઈ મકવાણા, લાયઝન જીગ્નેશભાઈ ચૌધરી, વાલી સમિતિ અધ્યક્ષ શ્રી સિદ્ધાર્થભાઈ દવે સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય અધિકારીએ બાલવાટિકા, ધોરણ-1, 9 અને 11ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપતાં તેમને શિક્ષણ કિટ આપી. તેમાં A1 ગ્રેડ મેળવનારી વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવી. જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના, NMMS પરીક્ષામાં સફળ થયેલ, તેમજ ઇકો ક્લબની વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા. ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલ પણ વિતરણ કરવામાં આવી.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયક વિચારો હર્ષિલ દવે અને મિત્તલ ચૌહાણે રજૂ કર્યા. વાલી સમિતિના અધ્યક્ષ સિદ્ધાર્થભાઈ દવે, બી.આર.સી. ઠક્કર અને પ્રકાશકુમાર સોલંકી સહિતના મહેમાનોના પ્રવચનથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળેલી.

વિદ્યાર્થીની દવે ગાયત્રી દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન અને આભારવિધી શાળાની આચાર્યા કૈલાશબેન ચિત્રોડાએ સંભાળી હતી.
પ્રસંગે મહેમાનો દ્વારા શાળાની કમ્પ્યુટર લેબ ની મુલાકાત લઈ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. વાલી સમિતિની બેઠક પણ યોજાઇ.

આ સમગ્ર પ્રવેશોત્સવને સફળ બનાવવા શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, બિનશૈક્ષણિક સ્ટાફ તથા B.Ed. તાલીમાર્થી બહેનોનું નોંધપાત્ર યોગદાન રહ્યું. સંસ્કૃતિક સમિતિ, વ્યવસ્થા સમિતિ અને ઇકો ક્લબના સભ્યો દ્વારા સર્વોત્તમ આયોજન થકી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.