ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ આહીર સમાજના ગુરુગાદી સમાન ભારાપર સ્થિત હાજલદાદા સ્થાનકના મહંત, ગુરુ દેવજી રાજાના બ્રહ્મલીન થવાથી સમગ્ર ભાવિકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના અવસાનના સમાચાર મળતા જ કચ્છભરમાંથી મોટી સંખ્યામાં આસ્થાળુઓ તેમના અંતિમ દર્શન માટે ભારાપર પહોંચ્યા હતા.

ગુરુ દેવજી રાજાના અંતિમ દર્શન માટે કચ્છભરમાંથી આહીર સમાજના લોકો, રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આસ્થાના પ્રતીક એવા સંત હાજલ દાદા જગ્યાના મંદિરમાં ગુરુ દેવજી રાજાને સમાધિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે કચ્છ પાટણ આહીર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગડ, કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીર સહિત અનેક અગ્રણીઓએ ગુરુ દેવજી રાજાના અંતિમ દર્શનનો લાભ લીધો હતો. ભારાપર જાગીરના લઘુ મહંત ભરત દાદા અને અન્ય સંતગણ સમાધિ આપવાની ધાર્મિકવિધિમાં જોડાયા હતા.

બ્રહ્મલીન થયેલા ગુરુ દેવજી રાજાનું કચ્છ આહીર સમાજના વિકાસમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તેઓ હંમેશા સમાજના ઉત્કર્ષ માટે ચિંતિત રહેતા હતા અને ભૂતકાળમાં તેમણે ભારાપર જાગીરના વિકાસ માટે કચ્છના વિવિધ ગામડાઓનો પ્રવાસ પણ કર્યો હતો. ભારાપર જાગીર ખાતે ગૌશાળા, અન્નક્ષેત્ર સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ તેમના માર્ગદર્શન હેઠળ ચાલતી હતી. તેમના અવસાનથી સમાજને મોટી ખોટ પડી છે.