ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મહેશ્વરી ફાઉન્ડેશન દ્વારા ગાંધીધામમાં મહેશ્વરી બિઝનેસ એસોસિએશન (MBA)ની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે સમાજના ઉદ્યોગકારો અને વેપારીઓને પરસ્પર સહયોગથી દેશના વિકાસમાં યોગદાન આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં જ કાશ્મીરના પહેલગામમાં બનેલી દુઃખદ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સમાજના લોકોને નોકરી છોડીને વ્યવસાય તરફ ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજે જીતોએ ચેમ્બર તરફથી વ્યવસાય અંગે જરૂરી માર્ગદર્શન આપવાની ખાતરી આપી હતી.

મહેશ્વરી ફાઉન્ડેશનના પ્રમુખ જે.પી. મહેશ્વરીએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે હવે નોકરી છોડીને સમાજે વ્યવસાય તરફ વળવું એ સમયની માંગ છે. વ્યવસાયના માધ્યમથી જ સમાજ પ્રગતિ કરી શકશે તેમ જણાવી તેમણે એસોસિએશનની રચના અને તેના હેતુઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ડી.પી.એ.ના ઉપાધ્યક્ષ સીએ હરિચંદ્રન, માનદ મંત્રી મહેશ તીર્થાણી, કંડલા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ નવનીતભાઈ ગજ્જર, એસઆરસીના ડિરેક્ટર સેવકભાઈ લખવાણી, કિરણ આહીર, સેક્રેટરી અરવિંદ રોલા અને ઉપપ્રમુખ સુશીલ સંજોટે પણ પ્રસંગને અનુરૂપ વક્તવ્યો આપ્યા હતા.
સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ રામજીભાઈ ધેડા, કાનજીભાઈ ભર્યા, ડૉ.પ્રેમ કન્નર, ભરતભાઈ મહેશ્વરી, તોલાણી કોલેજના ડૉ. દિવ્યા મહેશ્વરી, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર જ્યોત્સના મહેશ્વરી, ડીપીએના વૈજ્ઞાનિક અધિકારી રીના રોશિયા, રાજેશ અને સુનીતા રોશિયા, પાલુભાઈ રોશીયા, વિનીતભાઈ મહેશ્વરી, કંડલા કોમ્પ્લેક્સના પ્રમુખ જીવરાજભાઈ ભાંભી, રવિ મહેશ્વરી અને ડીપીએના નવીનભાઈ ભોઈયા સહિત અનેક મહાનુભાવોએ વ્યવસાય અંગે પોતાના મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા.

કાર્યક્રમની વ્યવસ્થા ખજાનચી નરેશ મહેશ્વરી, પ્રોજેક્ટ ચેરમેન ભાવેશ ફુફલ અને મુખ્ય સંયોજક રૂચિરા મહેશ્વરીએ સંભાળી હતી. સંગઠનના સભ્યો ટી.ડી. દેવરીયા, શૈલેષભાઈ મહેશ્વરી, રમેશ મહેશ્વરી, અશ્વિન ડોરુ, પ્રકાશ દનીચા, જિજ્ઞેશ ધેડા, જયશ્રીબેન થારૂ, રાજેશ રોશિયા, નીતિન મહેશ્વરી, વિવેક મહેશ્વરી અને રાહુલ મહેશ્વરીએ સહયોગ આપ્યો હતો.
આભારવિધિ કરતા ડૉ. કિશન કટુવાએ સમાજના વેપારી વર્ગને એકતા અને સહયોગથી દેશના વિકાસમાં યોગદાન આપવા અને પરસ્પર વ્યવસાયમાં મદદરૂપ થવા માટે આહવાન કર્યું હતું.