ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજાર શહેરમાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (ગુજસીટોક) કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. આ અંતર્ગત, ગુનાહિત પ્રવૃત્તિઓ આચરીને મેળવેલી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

અંજાર પોલીસે આરોપી રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી તેમજ તેમની માતાના નામે વસાવેલી અનેક સંપત્તિઓને ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી “ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ” હેઠળ કરવામાં આવી છે.

અંજારમાં વ્યાજખોરી દ્વારા આતંક મચાવનારા તત્વો સામે પોલીસે સખત પગલાં ભર્યા છે, જે રાજ્યમાં ગુજસીટોક હેઠળ વ્યાજખોરો સામેની આ પ્રકારની પ્રથમ કાર્યવાહી હોવાનું માનવામાં આવે છે. પોલીસની આ કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે અને સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
જપ્ત કરેલ મિલકત
- (૧) રિયાબેન ગુસાઈની જપ્ત કરવામાં આવેલ મિલકત વિગત જેમાં મેઘપર બોરીચીમાં પ્લોટ નં. ૭/૩૯ જેની કિંમત ૨,૫૨,૫૦૦/- અને જી.જે.૧૨-ઈઈ-૨૧૨૨ મહિન્દ્રા કંપનીનો સ્કોર્પીયો ગાડી જેની કિંમત ૧૪,૭૯,૮૫૧/- મળી કુલ કિંમત ૧૭,૩૨,૩૫૧/- થાય છે.
- (૨) આરતીબેન ગુસાઈની જપ્ત કરવામાં આવેલ મિલકત વિગત જેમાં અંજારના રેવન્યુ સર્વે નં. ૬૬૮ પ્લોટ નં. ૭૪ દેવનગર જેની કિંમત ૬,૪૫,૨૦૦/- છે.
- (૩) આરોપીઓએ તેઓના માતા તારાબેન ગુસાઈના નામે વસાવેલ જપ્ત કરવામાં આવેલ મિલકતની વિગત જેમાં મેઘપર બોરીચીમાં આશાપુરાનગરમાં પ્લોટ નં. ૬૨ જેની કિંમત ૧૦,૦૧,૧૭૦/- છે.