ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કંબોડિયામાં ઓનલાઈન સ્કેમ અને ડિજિટલ અરેસ્ટ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી ગેંગ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ની વિનંતી પર કંબોડિયા સરકારે દેશભરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 3075 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 105 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

ડિજિટલ અરેસ્ટનો ખેલ અને દરોડાની વિગતો
This Article Includes
ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા કંબોડિયાથી ચાલતા ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડ વિશે મળેલી માહિતી બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ માહિતીના આધારે, કંબોડિયા પોલીસે 138 અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા. ધરપકડ કરાયેલા લોકોમાં 606 મહિલાઓ પણ સામેલ છે. આ ગેંગમાં ચીન, વિયેતનામ, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, પાકિસ્તાન, નેપાળ, અને મલેશિયા સહિત અન્ય ઘણા દેશોના નાગરિકો પણ સામેલ હતા.

શું-શું મળ્યું આ ઓપરેશન દરમિયાન?
પોલીસે આ કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં વાંધાજનક વસ્તુઓ જપ્ત કરી છે. જેમાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, ડ્રગ્સ, હથિયારો, ગોળીઓ, તેમજ ચીની અને ભારતીય પોલીસના નકલી યુનિફોર્મનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડ્રગ્સ પ્રોસેસિંગ મશીનો અને એક્સ્ટસી પાવડર જેવા ડ્રગ્સ પણ મળી આવ્યા છે. અધિકારીઓનું માનવું છે કે આ કૌભાંડનું નેટવર્ક ઘણું મોટું હોઈ શકે છે અને તેની તપાસ હજુ ચાલુ છે.
ભારતીય નાગરિકોની વાપસી માટેના પ્રયાસો
ભારત સરકાર હાલમાં કંબોડિયામાં ધરપકડ કરાયેલા 105 ભારતીય નાગરિકોને પરત લાવવા માટે પ્રયાસ કરી રહી છે. ભારતના ગૃહ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ આ અંગે કંબોડિયાના અધિકારીઓ સાથે બેઠકો યોજી છે. ભારત સરકારે અગાઉ પણ તેના નાગરિકોને કંબોડિયામાં ચાલતા આ પ્રકારના સાયબર ફ્રોડ રેકેટથી સાવધ રહેવા માટે ચેતવણી આપી હતી.