વરસામેડી પાસે મોંઘો ફોન પડાવવા યુવાનની હત્યા કરનાર ઝડપાયો

Man arrested for killing young man to steal expensive phone near Varasamedi Man arrested for killing young man to steal expensive phone near Varasamedi

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ અંજારના વરસામેડી સીમમાં રહેતા બે દીકરીના પિતાનું ગળું વેતરી મૃતદેહ કેનાલમાં ફેંકી દેનાર બીજું કોઇ નહીં પણ મૃતકે જેને રહેવા માટે રૂમ આપ્યો તે જ ઇસમે પોતાના સાગરીત સાથે મળીને મોંઘો મોબાઇલ પડાવી લેવાની લાહ્યમાં આ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. આ બાબતે પીઆઇ એ.આર.ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢનો વતની રાહુલ ગૌડ અને તેની પત્ની પૂજા ગૌડ વેલસ્પન કંપનીમાં અલગ અલગ યુનિટમાં નોકરી કરે છે. તેમના ભાડાના ઘરના એક રૂમમાં રાહુલનો હમવતની મિત્ર ઈન્દ્રજીત ગુર્જર છેલ્લાં અઢી વર્ષથી રહેતો હતો.

ઈન્દ્રજીત પહેલવાનસિંહગુર્જર પણ વેલસ્પન કંપનીના સિક્યોરીટી વિભાગમાં બાઉન્સર તરીકે નોકરી કરે છે.શુક્રવારે બપોરે અંજારના અરિહંતનગર પાછળની નર્મદા કેનાલમાંથી રાહુલનો મૃતદેહ મળી આવ્યો હતો. ગળા પર છરી જેવા તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા મારેલાં હતાં. રાહુલ ગુરુવારે સાંજે સાત વાગ્યે નોકરી પરથી છૂટ્યાં બાદ ગાયબ થયો હતો. પોલીસે હત્યા કરનાર ઈન્દ્રજીત ગુર્જરને પકડી લીધો હતો.પીઆઈ ગોહિલે જણાવ્યું કે, રાહુલના મર્ડર કેસમાં ઈન્દ્રજીત ગુર્જરની ધરપકડ કરી છે, હત્યામાં સાથ આપનાર તેનો મિત્ર ધીરજકુમાર પોલીસના હાથ લાગ્યો નથી.

મોંઘો ફોન જોઈને ઈન્દ્રજીતની ‘દાઢ’ સળકી : રાહુલે થોડાંક સમય અગાઉ સેમસંગ ગેલેક્સી કંપનીનો એકાદ લાખના મૂલ્યનો અલ્ટ્રા 22 મોબાઈલ ફોન પચાસ હજાર રૂપિયામાં સેકન્ડ હેન્ડ ખરીદયો હતો. ઈન્દ્રજીતે આ ફોન 60-70 હજાર રૂપિયામાં વેચી આપી ફાયદો કરાવી આપશે તેમ રાહુલને જણાવ્યું હતું.મોંઘો ફોન જોઈને ઈન્દ્રજીતની ‘દાઢ’ સળકી હતી. તેણે થોડાંક સમય અગાઉ યુપીથી તેના મિત્ર ધીરજકુમારને અંજારમાં બોલાવ્યો અને નોકરીએ રખાવી દેવાનું વચન આપ્યું હતું. ઈન્દ્રજીતે ધીરજકુમાર જોડે મળીને આ મોબાઈલ ફોન લૂંટી લેવાનું કાવતરું ઘડ્યું હતું.

ગુરૂવારે સાંજે હવાફેર કરવાના બહાને નર્મદા કેનાલ પાસે લઈ આવ્યો હતો. ઈન્દ્રજીતે જાણ કરતાં ધીરજ પણ બનાવ સ્થળે પહોંચી આવ્યો હતો.બન્ને જણે સેમસંગ ફોન લઈ, તેનો પાસવર્ડ જાણીને ફોન લઈ લીધો હતો. બાદમાં ઈન્દ્રજીતે રાહુલને પકડી રાખેલો અને ધીરજે તેના ગળામાં છરી વડે વાર કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો. પોલીસે ઇન્દ્રજિતને પકડી લઇ આ ભેદી હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો.

હત્યારો દિલ્હીના મર્ડર કેસમાં સંડોવાયેલો : આ બાબતે વધુ વીગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે, હત્યા કરનાર ધીરજકુમાર અને ઈન્દ્રજીત અગાઉ લખનૌમાં સાથે કામ કરતા હતાં. ધીરજકુમાર અગાઉ દિલ્હીના એક મર્ડર કેસમાં પણ પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે. ધીરજને પકડી લેવા અંજાર પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *