ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભૂતકાળમાં શ્રેષ્ઠ સ્ટેશનનો એવોર્ડ મેળવી ચૂકેલા ગાંધીધામ રેલવે સ્ટેશન પર હાલમાં પ્રવાસીઓને અનેક અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ, આદિપુરના પ્રમુખ અને રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના પૂર્વ સદસ્ય શ્રી ગોવિંદ દનીચાએ રેલવે પ્રશાસન સમક્ષ સવિસ્તાર રજૂઆત કરી છે.
શ્રી દનીચાએ પ્રવાસીઓના હિતમાં તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માંગ કરી છે તે મુજબ મુખ્ય સમસ્યાઓ નીચે મુજબ છે:
૧. GRD સ્ટાફ દ્વારા જાહેરમાં બેગની તપાસ
This Article Includes
કચ્છ બહારથી આવતી ટ્રેનોમાંથી ગાંધીધામ સ્ટેશન પર ઉતરતા પ્રવાસીઓની જી.આર.ડી. સ્ટાફ દ્વારા જાહેરમાં પ્લેટફોર્મ પર બેગો ખોલાવીને સામાનની તપાસણી કરવામાં આવે છે, જેનાથી ખાસ કરીને કુટુંબ-પરિવાર સાથે આવતા લોકો ખૂબ જ શ્રોભની સ્થિતિમાં મુકાય છે. માનવતા ગ્રુપની રજૂઆત છે કે શંકાસ્પદ પ્રવાસીઓને જુદા તારવી સ્ટેશન પરના ખાસ રૂમમાં મહિલા પોલીસ સાથે રાખીને તપાસ કરવી જોઈએ, જેથી પ્રવાસીઓની પ્રતિષ્ઠા ન ખરડાય.
૨. સફાઈ સ્ટાફ અને ગંદકીનો પ્રશ્ન
વિશાળ પ્લેટફોર્મની સામે માત્ર સાત જેટલા સફાઈ કર્મચારીઓ હોવાથી સંપૂર્ણ સફાઈ જાળવવી અશક્ય છે. આથી સફાઈ કર્મીઓની સંખ્યામાં તાત્કાલિક વધારો કરવો જરૂરી છે. આ ઉપરાંત, સ્ટેશનની ડાબી અને જમણી બાજુ છેલ્લા લાંબા સમયથી બાવળના ઝુંડ ઉગી નીકળ્યા છે. સફાઈના અભાવે ગંદકી વધી છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ સતત વધી રહ્યો છે, જેને તાત્કાલિક સાફ કરાવવા માંગણી કરાઈ છે.
૩. વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા
તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદથી સ્ટેશનની અંદર પાણી ભરાઈ જવાથી તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓને ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવાની નોબત આવી હતી. આ ગંભીર સમસ્યાનું કાયમી સમાધાન લાવવાની ખાસ જરૂરિયાત દર્શાવાઈ છે.
૪. બગીચાની દયનીય સ્થિતિ અને જાહેર શૌચાલયનો અભાવ
છેલ્લા બે વર્ષથી બગીચાના રખરખાવ માટે કોન્ટ્રાક્ટ અપાયેલો હોવા છતાં તેની સ્થિતિ ખૂબ જ દયનીય છે. વળી, રેલવે સ્ટેશનની બહાર પ્રવાસીઓને લેવા-મૂકવા આવતા સગા-સંબંધીઓ, પરિચિતો અને વાહન ચાલકો માટે જાહેર શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્ટેશનની બહાર તાત્કાલિક જાહેર શૌચાલયનું નિર્માણ કરવું જોઈએ.
૫. એક્સીલેટર અને લિફ્ટની બંદ હાલત
પ્રવાસીઓની સુવિધા માટે પ્લેટફોર્મ પર એક્સીલેટર તેમજ લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે, પરંતુ આ બંને સ્વયં સંચાલિત યંત્રો મોટા ભાગે બંધની સ્થિતિમાં હોવાથી સિનિયર સિટિઝન અને દિવ્યાંગ પ્રવાસીઓને ખૂબ જ હાલાકી વેઠવી પડે છે. આ સુવિધાઓને સતત ચાલુ રાખવા માટેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
શ્રી દનીચાએ પ્રશાસનને વિનંતી કરી છે કે પ્રવાસીઓના હિતમાં આ તમામ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે.