ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામમાં બે કરોડથી વધુ સહિત પૂર્વ કચ્છમાં કુલ સાડા ૬ કરોડ રૂપિયાના બાકી વીજ લેણાંની વસૂલાત માટે વીજ તંત્ર દ્વારા આજથી વીજ જોડાણો કટ કરવાની સામુહિક ઝુંબેશનો પ્રારંભ કરાયો છે. અસરકાર ઝુંબેશ માટે બહારથી ટીમો બોલાવાઈ છે.
નિયમ મુજબ કોઈપણ વીજ ગ્રાહકને લાઈટ બીલ આપવામાં આવે ત્યારે તેને ભરપાઈ કરવા માટે ૧૦ દિવસનો સમયગાળો અપાય છે. પરંતુ, અનેક વીજ ગ્રાહકોએ ઘણાં લાંબા સમયથી વીજ બીલ ભર્યાં જ નથી. જેથી તેમના મીટર કટ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જે વીજ ગ્રાહકનું ક્નેકશન કાપવામાં આવશે તે પુનઃ ચાલું કરવા માટે નિયમ મુજબ સબ ડિવિઝન ઓફિસમાં રૂબરૂ જઈને રી-ક્નેકશન ચાર્જ ભરપાઈ કરવો પડશે. એટલું જ તે સમયે રેવેન્યુ ડોક્યુમેન્ટ સહિતના આધાર પૂરાવાઓ ઈ-કેવાયસી કરાવવા ફરજીયાત છે. તેથી વધારાનો ચાર્જ ટાળવા અને હેરાનગતિથી બચી અવિરત વીજ પુરવઠો મળતો રહે તે માટે લોકોને તાકીદે બાકી વીજ બિલ ભરી દેવા અનુરોધ કરાયો છે.