ગાંધીધામ: કચ્છ જિલ્લામાં આગામી સમયમાં સમસ્ત બ્રહ્મ સમાજના ૧૨૧ યુગલોના ભવ્ય સમૂહલગ્ન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નનો સમગ્ર ખર્ચ શ્રીરામ ગ્રુપના ચેરમેન અને આહીર સમાજના ભામાશા તરીકે જાણીતા બાબુભાઈ હૂંબલનો પરિવાર ઉઠાવશે. ગાંધીધામ ખાતે યોજાયેલી આયોજન બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

આ સમૂહલગ્નમાં માત્ર બ્રહ્મ સમાજના દીકરા-દીકરીઓ જ જોડાઈ શકશે. કથાકાર દિનેશભાઈ રાવલે આ માહિતી આપતા જણાવ્યું કે આ પ્રસંગ કચ્છ જિલ્લામાં અભૂતપૂર્વ બની રહેશે. આયોજન બેઠકમાં લગ્નની તારીખ, સ્થળ અને અન્ય વિગતો પર ચર્ચા થઈ હતી. ટૂંક સમયમાં જ આ કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે.
બેઠકમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છના બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રમેશભાઈ ઓઝા હાજર રહે તેવી આયોજકો દ્વારા મનોકામના વ્યક્ત કરવામાં આવી હતી.
બાબુભાઈ હૂંબલે બ્રહ્મ સમાજના અગ્રણીઓનો આભાર માન્યો અને જણાવ્યું કે આ સમૂહલગ્નમાં દેશ અને રાજ્યભરમાંથી બ્રહ્મ સમાજના લોકો જોડાશે. સમાજની સહમતી સાથે ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ગૃહમંત્રી સહિતના મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવશે.
આ બેઠકમાં ઉમિયાશંકર જોષી, શાસ્ત્રી દિપેશભાઈ જોષી, હીરેનભાઈ ખાંડેકા, જિતેન્દ્રભાઈ મઢવી, મુકેશભાઈ ગોર અને રમેશભાઈ જોષી સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આહીર સમાજના ભામાશા તરીકે જાણીતા બાબુભાઈ અને જખાભાઈ હૂંબલ તેમના સેવાકીય, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યો માટે ઉદાર હાથે દાન આપવા માટે જાણીતા છે. બ્રહ્મ સમાજે આ કાર્ય માટે હૂંબલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.