ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર-અંજાર માર્ગે શનિ મંદિર નજીક આવેલી કામધેનુ ગૌશાળામાં ગઈકાલે રાત્રે 8 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સેંકડો પશુ-પક્ષીઓની સલામતી જોખમાઈ હતી.

ગૌશાળાના સંચાલક દિનેશ ઠક્કરના જણાવ્યા મુજબ, આગ અચાનક ભભૂકી ઊઠી હતી. આગે બે મહાકાય ગોડાઉનમાં સંગ્રહિત સેંકડો ટન સૂકા ઘાસચારાને ચપેટમાં લીધો હતો. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ગાંધીધામ-અંજાર પાલિકા, કંડલા પોર્ટ અને વેલસ્પન કંપનીના ફાયર ફાઈટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આસપાસના વિસ્તારના જીવદયા પ્રેમીઓએ પણ જેસીબી, લોડર મશીન અને 20 જેટલા પાણીના ટેન્કર સાથે મદદે દોડી આવ્યા હતા.

સાત કલાકની જહેમત બાદ વહેલી સવારે 3 વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદ્ભાગ્યે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ અંદાજે રૂ. 80 લાખથી વધુનું નુકસાન થયું છે. હાલ કચરો સાફ કરવાની અને પશુઓની વ્યવસ્થા કરવાની કામગીરી ચાલી રહી છે.