પ્રાથમિક અંદાજ મુજબ 25થી 30 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન
ફાયર વિભાગના જવાનોની સતર્કતાથી નજીકના પેટ્રોલ પંપને બચાવી લેવાયો
ગાંધીધામ ટુડે, ન્યૂઝ ગાંધીધામના પડાણા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા શંકર ઇન્ટરનેશનલ પ્રા.લી.માં લાગેલી ભીષણ આગ પરોઢે કાબૂમાં આવી હતી. ગાયત્રી પેટ્રોલ પંપની પાછળ આવેલા આ બેંસોમાં ગઈકાલે બપોરે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનામાં બે ખાનગી એકમો અને કસ્ટમ વિભાગના બોન્ડમાં રાખેલા લાકડાનો જથ્થો સળગી ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ 25થી 30 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ફાયર વિભાગના જવાનોની સતર્કતાથી નજીકના પેટ્રોલ પંપને બચાવી લેવામાં આવ્યું હતું.
કંડલા, ઇઆરસી, વેલસ્પન કંપની અને ભચાઉ સુધરાઈના ફાયર ફાઈટર્સે લાખો લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. રાત્રે 1 વાગ્યે મોટાભાગની આગ કાબૂમાં આવી હતી. શંકર બેંસોના માલિક વિજય બંસલે જણાવ્યું કે આગ લાગવાનું ચોક્કસ કારણ સર્વે બાદ જ જાણી શકાશે. તેમણે ઉમેર્યું કે નુકસાનનો આંકડો 30 કરોડથી પણ વધુ હોઈ શકે છે. કારણ કે શંકર બેંસો ઉપરાંત બાજુના લાંબા ટીમ્બર અને કસ્ટમ વિભાગના બોન્ડમાં રાખેલા દસ જેટલી કંપનીઓના વિદેશી લાકડાના જથ્થાને પણ નુકસાન થયું છે. હાલ વિદેશી લાકડાના જથ્થામાં હજુ પણ ચિંગારીઓ સળગી રહી છે, જેને ઠારવા માટે પાણીનો છંટકાવ ચાલુ છે. સફાઈ અને સર્વેની કામગીરીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.