ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ આજ રોજ, તારીખ 19 એપ્રિલ 2025ના રોજ સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને તાત્કાલિક કોલ મળ્યો કે વોંધ ગામે રામદેવપીર મંદિરના બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પાછળ વેસ્ટેજ પેટ્રોલના ટેંક અને તેના મશીનમાં આગ લાગી ગઈ છે. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગાઢ વાદળો 2 કિલોમીટર દૂરથી પણ દેખાઈ રહ્યા હતા.

ભચાઉની ફાયર ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો આરંભ્યા. ટીમે કુલ 15,000 લિટર જેટલું પાણી અને ફોમનો ઉપયોગ કરી આગને અટકાવવાનો પ્રયાસ કર્યો. આગ ઝડપથી પેટ્રોલ પંપ તરફ વધતી હતી, પણ ફાયર વિભાગે સમયસર કામગીરી કરીને મોટી જાનહાની થતી અટકાવી.
સદભાગ્યે ઘટનામાં કોઈ મોટી જાનહાની નથી થઈ, તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું છે. હાલ આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે.

