ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૦૨ ઓક્ટોબર દરમિયાન ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગાંધીધામ તાલુકા હેલ્થ કચેરી અને જાયન્ટ ગ્રુપ ઓફ ઈફ્કો સહેલીના સહયોગથી મહિલાઓ માટે એક મફત મેડિકલ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ગાંધીધામ-૩ ખાતે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી યોજાયો હતો. કેમ્પની શરૂઆત સિંધી સમાજના અગ્રણી કુમાર રામચંદાની, જાયન્ટ યુનિટ સેવનના ડાયરેક્ટર ડો. સુનિતા દેવનાની, જાયન્ટ ઈફ્કો સહેલીના પ્રમુખ ભારતી માખીજાણી, સેક્રેટરી મોસમી સંઘાણી, કૈલાશબેન ભટ્ટ અને અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

આ મેડિકલ કેમ્પમાં ૧૦૦ થી વધુ મહિલાઓએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે બાળ રોગ નિષ્ણાંત ડો. રાજેશ માહેશ્વરી, ઓર્થોપેડિક ડો. જીમીત મીરાણી, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. મિત્તલ મીરાણી, એમ.બી.બી.એસ. ડો. નિશિત સુથાર, લેબ ટેક્નિશિયન લક્કડ વૈશાલી અને અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફે સેવા આપી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી તેમને સશક્ત બનાવવાનો છે.
