ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજારના મેઘપર બોરીચીના અંડર પાસમાંથી પોતાના શેઠની રોકડ લઇ એક્ટિવા પર જઇ રહેલા કર્મચારીને બે બાઇકો પર આવેલા ઇસમોએ લાત મારી પાડી દીધા બાદ એક્ટિવાની ડીકીમાં રાખેલી રૂ.૭ લાખની રોકડ લૂંટ ચલાવી પલાયન થયા હતા. જેને લઈ પોલીસે શંકાની દિશાઓમાં તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસને નક્કી થઈ ચૂક્યુ હતુ કે, વાત તૈયાર કરેલી સ્ક્રિપ્ટ છે અને આખોય મામલો લૂંટ થઈ હોવાનો ઉપજાવી નિકાળ્યો છે.

મુળ નખત્રાણાના નાના અંગિયાના હાલે મેઘપર બોરીચીના સંસ્કારનગરમાં રહેતા અને રિશિકા વુડ ઇન્ડ્રસ્ટ્રીઝના સંચાલક વિરેન્દ્રકુમાર ઉર્ફે લાલો શામજીભાઈ કેસરાણી (પટેલ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, શુક્રવારે બપોરના અઢી વાગ્યે મારા બેન્સોમાં આવેલા માલ તથા કામ કરતા માણસો પૈસા ચુકવવાના હોઈ તેમના અંજારની ઇન્ડસઈન્ડ બેન્ક શાખામાંથી રૂ.૧૦ લાખ ઉપાડવા બે ચેક લખી બેન્સોમાં કામ કરતા પ્રવિણ ભાકાભાઈ મેરને આપી પૈસા ઉપાડવા મુક્યો હતો.
સાડા ત્રણ વાગ્યે તે પૈસા ઉપાડી નિકળ્યો ત્યારબાદ ૧૫ મિનિટ પછી તેણે ફોન કરી જણાવ્યું હતું કે તે પૈસા ઉપાડીને બેન્સા તરફ આવતો હતો. ત્યારે મેઘપર-બોના અંડરબ્રિજ પાસે પહોંચ્યો ત્યારે પાછળથી એક મોટર સાયકલ પર આવેલા બે ઇસમોએ ચાલુ મોટર સાયકલે લાત મારી તેમને પાડી દીધા હતા. તેઓ ઉભા થયા તો બીજી લાત મારી પાડી દીધા હતા. આ માણસે એકટીવાની ચાવી કાઢી ડેકીમાં રાખેલી રૂ.૭ લાખ લઈને ભાગી ગયા હતા.
આ લૂટની ઘટનામાં રૂ.૧૦ લાખમાંથી રૂ.૭ લાખ એક્ટિવાની ડીકીમાં રખાયા હતા અને રૂ.૩ લાખ ખિસ્સામાં રાખ્યા હતા. લૂંટ કરવા આવેલા ઇસમોએ ભોગ બનનારને બે વખત લાત મારી પાડી દીધા બાદ એક્ટિવાની ચાવી વડે ડીકી ખોલી રૂ.૭ લાખ લૂંટી તે ઇસમો ચાલ્યા ગયા હતા. તેમણે આ બાબતે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.
ઘટના અંગે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ફેંદી નાખ્યાં હતા પરંતુ ક્યાંય તે સમયે બાઈક પર જતાં બે યુવકો જોવા મળ્યાં નહોતાં. પોલીસે પ્રવિણને વિવિધ પ્રશ્નો પૂછવાનું શરૂ કરતાં તે ગોળ ગોળ જવાબો આપતો હતો. પોલીસને પ્રવિણ ઉપરનો શક ઘેરો બન્યો હતો.
પ્રવિણે જ લૂંટનું તરકટ રચ્યું હોવાની પોલીસને ખાતરી થવા માંડી હતી. દરમિયાન, પતિ લૂંટાયો હોવાનું અને પોલીસ તેની પૂછપરછ કરી રહી હોવાનું જાણીને ચિંતિત બનેલી પ્રવિણની પત્ની પડોશમાં રહેતા પ્રવિણના મિત્ર નાગપાલસિંહ વિક્રમસિંહ ચુડાસમા (રહે. મેઘપર બો.)ને લઈ પોલીસ મથકે દોડી આવી હતી.
નાગપાલે પોલીસને મળીને જણાવ્યું હતું કે ‘સાહેબ, હું નોકરી પર હતો ત્યારે પ્રવિણે મને ફોન કરીને ગરનાળા પાસે બોલાવેલો અને નોટોના બંડલ રાખવા આપેલાં. આ રૂપિયા શેના છે, કેટલાં છે તે અંગે મને કશું કહ્યું નહોતું. એ રૂપિયા બહાર મારી ગાડીની ડીકીમાં હજુ એમ જ પડ્યાં છે!’ પોલીસે રૂપિયા મગાવીને ગણતાં પૂરેપૂરાં સાત લાખ રોકડાં હતાં અને આમ પ્રવિણના તરકટનો સંપૂર્ણ રીતે પર્દાફાશ થઈ ગયો હતો.
પ્રવિણ આ બેન્સોમાં છએક માસથી કામ કરતો હતો. તા માવતર શિહોરમાં મજૂરી કરે છે. ગોલ્ડ લોનના હપ્તા ભરવામાં પડતી ખેંચ વચ્ચે રાતોરાત માલદાર થઈ જવાની ગણતરીએ પ્રવિણે આખો બનાવ ઉપજાવી કાઢ્યો હતો. રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમાર, અંજારના DySP વિકાસ ચૌધરી અને પ્રોબેશનરી IPS વિકાસ યાદવના માર્ગદર્શનમાં અંજાર પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલ, પો.સ.ઈ. એસ.જી. વાળા, બી.એસ. ચૌહાણ સહિતનો સ્ટાફ તપાસમાં જોડાયો હતો.