ગાંધીધામ ટુડે, ન્યૂઝ : લાંબા સમયથી ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે મેઘપર બોરીચી, કુંભારડીની અનેક સોસાયટીના રહેવાસીઓ યાતના ભોગવી રહ્યા છે, ત્યારે આ સમસ્યા ઉકેલવા મુદ્દે કુંભારડીની સોસાયટીના રહેવાસીઓએ મહા નગરપાલિકાને ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. મ.ન.પા.ના કમિશનરને આજે રૂબરૂ મળી મેઘપર કુંભારડીના તિરુપતિ નગરના રહેવાસીઓએ ગટર સમસ્યા મુદ્દે રજૂઆત કરી હતી. પત્રમાં જણાવ્યા પ્રમાણે આ વિસ્તાર જ્યારે ગ્રામ પંચાયતમાં હતો ત્યારે રજૂઆતો છતાંય કોઈ નિવેડો આવ્યો નથી. ખૂલ્લી ગટરનાં કારણે પશુઓ પડી જવાના બનાવ અવારનવાર બને છે, કચરો ઉપાડવા માટે કોઈ ગાડીઓ આવતી નથી, ગંદકીનાં કારણે રોગચાળાની દહેશત સતાવી રહી છે. હવે, જ્યારે મહા નગરપાલિકામાં વિસ્તાર સમાવિષ્ટ થયો છે, ત્યારે સોસાયટીમાં કચરો એકત્ર કરવા માટે ડોર ટુ ડોરની વ્યવસ્થા કરવા, ઢાંકણા નાંખવા અંગે માંગ કરી હતી અને રહેવાસીઓ દ્વારા મહા નગરપાલિકાને પુરતા સહકારની ખાત્રી પણ આપવામાં આવી હતી.


Add a comment