ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સી.આઇ.ડી. ક્રાઇમ, ગાંધીનગર ઝોન પોલીસે મહેસાણા અર્બન કો.ઓ. બેંક લી. સાથે આચરવામાં આવેલા કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ ગુનાના મુખ્ય આરોપીઓ સાથે કથિત રીતે મેળાપીપણું ધરાવનાર અને ગુના સમયે બેંકમાં CEO તરીકે ફરજ બજાવતા વિનોદકુમાર મણીભાઈ પટેલની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો?
This Article Includes
સી.આઇ.ડી. ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુ.૨.નં. ૧૧૨૦૧૦૦૧૨૫૦૦૦ હેઠળ ઇ.પી.કો. કલમ ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦-બી, ૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે. આ ગુનામાં આરોપીઓએ ખોટા વેલ્યુએશન રિપોર્ટ અને ખોટા બાંધકામ સર્ટીફીકેટ બનાવીને તેને સાચા તરીકે રજૂ કર્યા હતા.
આ ગુનાહિત ષડયંત્ર હેઠળ, સને ૨૦૧૬ થી ૨૦૨૩ દરમિયાન મુખ્ય આરોપી બીજલ જયેશભાઈ મહેતા અને તેની પત્ની અમન બીજલ મહેતાની ભાગીદારી પેઢીઓ (બાગેશ્રી ઇન્ફ્રા તથા ઓમ ઇન્ફા) ને બેંક પાસેથી ડેવલોપમેન્ટ અને બિઝનેસ લોન લેવામાં આવી હતી. આરોપીઓએ આ લોનની રકમ ભરપાઈ ન કરી પોતાના અંગત ઉપયોગમાં લઈ બેંક સાથે કુલ રૂ. ૬૪,૦૪,૪૯,૫૫૩/- (ચોસઠ કરોડ, ચાર લાખ, ઓગણપચાસ હજાર, પાંચસો ત્રેપન) ની છેતરપિંડી, વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરી હતી.
પૂર્વ CEO પર ગંભીર આરોપો
વિનોદકુમાર મણીભાઈ પટેલ, જેઓ મહેસાણાની જીવન જ્યોત સોસાયટીમાં રહે છે, તેઓ ગુનાના બનાવ સમયે બેંકના સી.ઇ.ઓ. હતા. તેમના પર ગંભીર આરોપ છે કે મુખ્ય આરોપી બીજલ મહેતાની પેઢીઓની અગાઉની લોનો NPA (નોન-પર્ફોમિંગ એસેટ) જાહેર થઈ ચૂકી હોવા છતાં, તેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો.
તેમણે RBIની ગાઇડલાઇન તેમજ બેંકના નીતિ-નિયમોનો ભંગ કરીને બીજલ મહેતાને પાંચ કરોડથી પણ મોટી લોનો મંજૂર કરી આપી હતી.
શાખા મેનેજરના નિવેદનથી ખુલાસો
આ કૌભાંડમાં અગાઉ અટકાયત કરાયેલા ગાંધીધામ શાખા મેનેજર પી.ટી. પટેલના નિવેદનમાં આ સમગ્ર હકીકત ઉજાગર થઈ હતી. તેમના નિવેદન પરથી સ્પષ્ટ થયું કે પૂર્વ CEO વિનોદકુમાર પટેલની ગુનાહિત ભૂમિકા હતી અને તેમણે આરોપીઓ સાથે મેળાપીપણું ચલાવ્યું હતું.
આજરોજ, તારીખ ૨૬/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે, આરોપી વિનોદકુમાર મણીભાઈ પટેલની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં બેંકના અન્ય કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ.