ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે – ક્યાંક અચાનક માવઠાં પડે છે તો ક્યાંક કાળઝાળ ગરમી લોકોનો જીવ કાઢી રહી છે. આવી અસહ્ય ગરમી અને અનિચ્છિત વરસાદ વચ્ચે હવે એક રાહતની ખબર સામે આવી છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ અનુસાર, આ વર્ષે ચોમાસું નક્કી સમય કરતા વહેલું ભારતમાં પ્રવેશી ગયું છે અને ટૂંક સમયમાં ગુજરાતમાં પણ પધરામણી કરવાની તૈયારીમાં છે.
હવે દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય બન્યું છે. ચોમાસુ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી (BoB)માં પ્રવેશી ગયું છે. આંદામાનમાં 9 દિવસ પહેલા જ ચોમાસાની દસ્તક થઇ ગઈ છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, મધ્ય આંદામાન-નિકોબાર ટાપુઓ, હટ ખાડી અને માર્તાબનના અખાત સુધી ચોમાસાની ઉત્તરીય સીમા પહોંચી ગઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલની હવામાન પરિસ્થિતિઓ ચોમાસાને વધુ ઝડપથી આગળ ધપાવા માટે અનુકૂળ છે. આગામી 3-4 દિવસમાં ચોમાસો માલદીવ-કોમોરિન વિસ્તાર, અરબી સમુદ્રના નજીકના ભાગો અને બંગાળની ખાડીના દક્ષિણ અને મધ્ય ભાગોમાં આગળ વધી શકે છે. ખાસ કરીને બંગાળની ખાડીના દક્ષિણ અને પૂર્વ ભાગોમાં ક્રોસ ઇક્વેટોરિયલ ફ્લો તીવ્ર બનવાની સંભાવના છે, જે ચોમાસાની ગતિ અને તીવ્રતા વધારશે.
અંદાજ મુજબ, 16 મે આસપાસ દક્ષિણ-મધ્ય બંગાળની ખાડી પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થઈ શકે છે. આ કારણે ચોમાસાની એન્ટ્રી શ્રીલંકા અને મધ્ય બંગાળની ખાડીમાં પણ 26 મેની સામાન્ય તારીખ કરતા વહેલી થઈ શકે છે. વધુમાં, કેરળમાં ચોમાસું 1 જૂનના પહેલા પ્રવેશી શકે છે – જે 2009 પછીનો સૌથી વહેલો પ્રવેશ માનવામાં આવી રહ્યો છે.
ગુજરાત માટે સૌથી મોટું અપડેટ એ છે કે 10 થી 15 જૂનના સમયગાળા દરમિયાન ચોમાસું રાજ્યમાં પ્રવેશી શકે છે. એટલે કે, થોડા જ દિવસોમાં ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે. આ અગાઉ કેટલાય વિસ્તારોમાં માવઠા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી, પણ હવે ધોધમાર વરસાદ માટે રાહ જોનાર ગુજરાતીઓ માટે સચ્ચી ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે.
હવે જોવું એ રહેશે કે આ વહેલું ચોમાસું ખેડૂતો માટે કૃપાવર્ષા બને છે કે નહીં. હજુ અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે, તો ચોમાસાની વહેલી એન્ટ્રી ગુજરાત માટે આશાની કિરણ સાબિત થઈ શકે છે.